નવી દિલ્લીઃ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે 2017માં કોર્ટના તિરસ્કારના કેસમાં દોષિત જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને કોર્ટના અવમાનના કેસમાં 4 મહિનાની સજા સંભળાવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા પર 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યુ છે કે જો માલ્યા દંડ નહિ ભરે તો તેને બે મહિનાની વધારાની સજા થશે. આ સિવાય સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા પાસેથી વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલરની ચુકવણી માટે 4 અઠવાડિયા એટલે કે એક મહિનાનો સમય પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ત્રણ જજોની બેન્ચે આપ્યો છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)એ વિજય માલ્યા સામે કોર્ટના આદેશની બાકી રકમની ચૂકવણી ન કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટે આ નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યુ કે માલ્યાને 'કાયદાની ગરિમા અને સન્માન જાળવવા' માટે પૂરતી સજા થવી જોઈએ અને તે માટે નિર્દેશો જાહેર કરવાની જરૂર પડશે કે વિવાદિત રકમ વહેલામાં વહેલી તકે જમા કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના ત્રણેય જજોએ માલ્યાની ગેરહાજરીમાં કાર્યવાહી કરી છે.
રિપોર્ટ અનુસાર વિજય માલ્યા હાલમાં લંડનમાં પણ નથી. અગાઉ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે યુકેમાંથી વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપવામાં આવી હોવા છતાં તેમની સામે બાકી રહેલી કેટલીક ગુપ્ત કાર્યવાહીને ધ્યાનમાં રાખીને તેમને ભારત લાવી શકાય નહીં.