કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર હુડ્ડાએ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપના આતંકવાદી અને નફરતી વિચારધારાના લોકો સાથેના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભાજપ પર આતંકવાદી અને નફરતી વિચારધારાના ભાગલાવાદી લોકો સાથેના કનેક્શન હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
દીપેન્દ્ર હુડ્ડાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય આતંકવાદ પર રાજનીતિના પક્ષમાં રહી નથી. પરંતુ આજે જે સ્થિતિ પ્રવર્તે છે અને જે રીતે એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે જોડાયેલાની વિગતો સામે આવી રહી છે ત્યારે સવાલ પૂછવો જરૂરી બની જાય છે કે રાષ્ટ્રવાદની આડમાં ભાજપ દેશ સાથે ઘૃણાસ્પદ રમત કેમ રમી રહી છે ?
તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી બીજેપીનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. જેણે ભાજપના નેતાઓની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું હતું. તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ભાજપના ઘણા કાર્યક્રમોમાં જોવા મળ્યો છે. તો જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિકો દ્વારા પકડાયેલા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓમાંથી એક તાલિબ હુસૈન શાહ ભાજપના કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું છે. જેની દેશના ગૃહમંત્રીની સાથે, બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથેની તસ્વીર પણ બહાર આવી છે, જ્યારે તે પકડાયો ત્યારે તે પવિત્ર અમરનાથ યાત્રા માટે જઈ રહેલા યાત્રીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો.
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના કથિત માસ્ટર માઇન્ડ ઈરફાન ખાનના ભાજપ સાથે શું સંબંધ છે ? તે અંગે દેશ જાણવા માંગે છે. વર્ષ 2020માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને હથિયાર આપવા બદલ ભાજપના પૂર્વ નેતા અને સરપંચ તારિક અહેમદ મીર ની ધરપકડ કરવામાં આવી હતી. તારિક અહેમદ પર હિઝબુલ કમાન્ડર નાવેદ બાબુને હથિયારો આપવાનો આરોપ હતો.
2017 માં એટીએસની ટીમે મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કર્યો અને ૧૧ ISI શકમંદોની ધરપકડ કરી હતી જેમાં ભાજપના આઈટી સેલના સભ્ય ધ્રુવ સક્સેના પણ સામેલ હતો. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથેના તેના ફોટા પણ વાયરલ થયા હતા. ૨૦૧૭માં આસામના બીજેપી નેતા નિરંજન હોજાઈ ને વિશેષ NIA કોર્ટે આતંકવાદીઓને આર્થિક મદદ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. મધ્યપ્રદેશમાં જ બજરંગ દળના નેતા બલરામ સિંહની આતંકવાદી ભંડોળના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગરની સ્થાનિક ચૂંટણીમાં મસૂદ અઝહરના સાથી મોહમ્મદ ફારૂક ખાન ને ભાજપે ટિકિટ આપી હતી. જે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હરકત-ઉલ-મુજાહિદ્દીનનો સભ્ય રહી ચુક્યો છે.
આટલી બધી વસ્તુઓ સામે આવ્યા છતાં ભાજપ કેમ કશુ બોલતી નથી ? ભાજપે તાત્કાલીક ખુલાસો કરવો જોઈએ. ભાગલાવાદી અને નફરતની વિચારધારા ફેલાવનારા લોકો ભાજપના સંગઠનમાં કેવી રીતે પદાધિકારીઓ છે, તે આક્ષેપ પણ કોંગ્રેસના સાંસદે કર્યો હતો. આ તપાસ કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની એક સમિતિની રચના કરી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી ભાજપે આત્મમંથન કરવું જોઈએ.