નવી દિલ્હી : પયગમ્બર પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ વિરોધ વચ્ચે પાકિસ્તાન દ્વારા આસામ સ્થિત ડિજિટલ ચેનલની વેબસાઈટ હેક કરવામાં આવી હતી. આ પછી ચેનલના બ્રેકિંગ સેક્શનમાં પ્રોફેટના સન્માનનો પાઠ કરતા ટિકર્સ આવ્યા હતા. હેકર્સે આ ચેનલ પર પાકિસ્તાનનો ઝંડો પણ પ્રદર્શિત કર્યો હતો.
ટાઇમ8 ડિજિટલ ન્યૂઝ નેટવર્કના સ્થાપક અને મેનેજિંગ એડિટર ઉત્પલ કાંતાએ જણાવ્યું કે પાકિસ્તાની હેકર જૂથ ક્રાન્તિ પીકેએ લાઇવ સ્ટ્રીમ દરમિયાન યુટ્યુબ ચેનલને થોડા સમય માટે હેક કરી હતી અને પ્રોફેટના સન્માનમાં પ્રસારિત થયેલા સમાચારને પાકિસ્તાની ધ્વજ સાથે બદલી નાખ્યા હતા.
આ મામલે ટાઇમ8 ડિજિટલ ન્યૂઝ નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર ઉત્પલ કાંતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે આ મામલાને લઈને કહ્યું, 'આ સાયબર આતંકવાદનું કૃત્ય છે. અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત આ બાબત પર અમારી ચિંતા પણ વ્યક્ત કરીએ છીએ.
ટાઈમ8એ જણાવ્યું કે, નેટવર્કે અધિકારીઓને જાણકારી આપી છે અને ગુવાહાટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદની તપાસ ચાલી રહી છે. ચેનલે કહ્યું કે હેકર્સનો ઈરાદો ભારતને બદનામ કરવાનો પણ હતો કારણ કે તેઓએ ટ્વિટર અને ફેસબુક પર વીડિયોના હેક કરેલા ભાગને લીક કર્યો હતો.