અત્યાર સુધીમાં 72 હજાર ભક્તોએ દર્શન કર્યા
ગત સપ્તાહે શરૂ થયેલી બાબા બર્ફાનીની યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 30 જૂનથી અત્યાર સુધીમાં 72,000થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફા મંદીરની મુલાકાત લીધી છે. આ યાત્રા 11 ઓગસ્ટ, રક્ષાબંધન સુધી ચાલશે.
સવારથી યાત્રા પર અસ્થાયી રોક
અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે લગભગ 3,000 શ્રદ્ધાળુઓને પહેલગામના નુનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા હતા. જમ્મુથી પહેલગામ રૂટ માટે રવાના થયેલા લગભગ 4,000 તીર્થયાત્રીઓની બીજી બેચને રામબન જિલ્લાના ચંદ્રકોટ ખાતે યાત્રી નિવાસ ખાતે રોકવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પહેલગામ શ્રીનગરથી લગભગ 90 કિમી દૂર છે.
સતત વરસાદ ચાલુ છે
જો કે, જમ્મુથી બાલટાલ રૂટ માટે રવાના થયેલા લગભગ 2,000 શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી છે. અહીં હવામાન વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરમાં ગઈ રાતથી સતત વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં પહેલગામ અને બાલટાલ માર્ગો પર ભૂસ્ખલનનો ભય છે. એમ પણ કહ્યું કે અત્યારે અમરનાથ ગુફાની નજીક હવામાન બરાબર નથી. આવી સ્થિતિમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને અસ્થાયી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન યોગ્ય થતાં જ પ્રવાસ ફરી શરૂ થશે.