નવી દિલ્લીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઉદ્યાનો અને બગીચાઓની જાળવણી કરતી જમીનની માલિકીની એજન્સીઓને આ ચોમાસા દરમિયાન 10,000 ચંદનના વૃક્ષો વાવવાનો નિર્દેશ આપ્યો છે. જેથી તેઓ તેમની જમીન સંપત્તિમાંથી આવક મેળવી શકે. રવિવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ઉપ રાજ્યપાલના સચિવાલય રાજ નિવાસમાંથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ), દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી), દિલ્હી પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ સોસાયટી, દિલ્હી બાયોડાયવર્સિટી સોસાયટી અને અન્યને સલાહ આપવામાં આવે છે કે વર્તમાન ચોમાસા સત્ર દરમિયાન ચંદનનુ વાવેતર કામ પૂરુ કરવામાં આવે.
સક્સેનાએ રવિવારે સુંદર નર્સરીની મુલાકાત લીધા બાદ આ નિર્દેશ આપ્યા છે. સક્સેનાએ જણાવ્યુ હતુ કે ચંદનના વૃક્ષો વાવવાની સાથે, છોડની વિવિધતામાં વધારો કરવા અને સામાન્ય રીતે પર્યાવરણને સમૃદ્ધ બનાવવાથી સરકારી જમીનમાંથી પણ નાણાંની આવક થશે અને દિલ્હીમાં જમીન માલિકીની એજન્સીઓ માટે 'મુખ્ય નાણાકીય સંપત્તિ' બનશે.
ઓછામાં ઓછા ચાર ચંદનના વૃક્ષો વાવવા અપીલ કરી
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યુ, 'ચંદનનાં વૃક્ષો 12થી 15 વર્ષમાં સંપૂર્ણ રીતે ઉગે છે. વર્તમાન દરે દરેક વૃક્ષ વર્તમાન કિંમતના આધારે 12થી 15 લાખ રૂપિયામાં વેચી શકાય છે. આ કિંમતે ચંદનના 10 હજાર વૃક્ષોની અંદાજિત કિંમત 12થી 15 હજાર કરોડ રૂપિયા થશે. ફાર્મ હાઉસના માલિકો ઉપરાંત તેમણે ખેડૂતો અને નાના કદના જમીન માલિકોને પણ ઓછામાં ઓછા ચાર ચંદનના વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.
140.74 કરોડના ખર્ચના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી
વળી, મે મહિનામાં એવા અહેવાલ હતા કે દિલ્હી સરકારે શહેરનુ ગ્રીન કવર વધારવા અને હવાની ગુણવત્તા સુધારવા માટે એક યોજના તૈયાર કરી છે. દિલ્હી સરકારે રાજધાનીમાં લગભગ 10 લાખ રોપા વાવવાનો નિર્ણય કર્યો છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ તાજેતરમાં યોજાયેલી એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી (EFC)ની બેઠકમાં રૂ. 140.74 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.