આવી રહી છે આર્થિક મંદી, આવતા 12 મહિનામાં જમીન પર ધૂળ ફાકશે મોટા-મોટા દેશ, ભારતનુ શું થશે?

|

નવી દિલ્લીઃ 2008 પછી ફરી એકવાર વિશ્વ પર મંદીનું સંકટ ઘેરાવા લાગ્યુ છે. શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત વિશ્વના ઘણા દેશો મંદીથી ખૂબ જ પરેશાન છે. દુનિયા પહેલાથી જ કોરોના સામે લડી રહી છે, જે અઢી વર્ષથી ખતમ થવાનુ નામ નથી લઈ રહી. બીજી તરફ યુરોપમાં યુદ્ધ જેવી સ્થિતિના કારણે સ્થિતિ વણસી ગઈ છે. યુક્રેન પર રશિયાના હુમલાએ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ઉભો કર્યો છે. આ સમસ્યાઓએ પહેલાથી જ વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનુ જોખમ વધારી દીધુ છે. હવે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ નોમુરા હોલ્ડિંગ્સે પણ દુનિયાને આ ખતરાની ચેતવણી આપી છે.

ઘણા દેશો આવશે ઝપટમાં

નોમુરા હોલ્ડિંગ્સ ઇંકના જણાવ્યા મુજબ સરકારની નીતિઓ અને જીવનનિર્વાહના વધતા ખર્ચ વચ્ચે વિશ્વભરની ઘણી અર્થવ્યવસ્થાઓ આગામી વર્ષમાં આર્થિક મંદીમાં પ્રવેશવાની તૈયારીમાં છે. નોમુરાના મતે આવનારા સમયમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા તેમજ યુરોપિયન યુનિયનના દેશો બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને કેનેડા જેવી મોટી અર્થવ્યવસ્થાઓ આર્થિક મંદીની ઝપટમાં આવી શકે છે.

કેન્દ્રીય બેંકોએ નીતિ કડક બનાવવાથી નુકશાન

નોમુરાએ તાજેતરના એક અહેવાલમાં જણાવ્યુ છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી છે. વૈશ્વિક વૃદ્ધિને ધ્યાનમાં લીધા વિના સેન્ટ્રલ બેંકો તેમની નીતિઓને કડક બનાવી રહી છે. નોમુરાના એક રિસર્ચ રિપોર્ટ મુજબ એવા સંકેતો વધી રહ્યા છે કે વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી થવા તરફ આગળ વધી રહી છે. આનો આશય એ છે કે ગ્રોથ માટે અર્થવ્યવસ્થાઓ હવે નિકાસમાં સુધારો આવવાની વાત પર નિશ્ચિંત નહિ રહી શકે.

અમેરિકા પણ સપડાશે

રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં મોંઘવારીનો દર ઊંચો રહેવાનો છે કારણ કે ભાવનુ દબાણ હવે માત્ર કોમોડિટીઝ પૂરતુ મર્યાદિત નથી. પરંતુ સર્વિસ સેક્ટર, ભાડા અને પગાર પણ તેનો સામનો કરી રહ્યા છે. આ સાથે નોમુરાએ એમ પણ કહ્યુ છે કે વિશ્વના વિવિધ દેશો માટે અલગ-અલગ પ્રકારની મંદી આવવાની છે. નોમુરાના મતે અમેરિકા આ ​​વર્ષના અંત સુધીમાં મંદીમાં સપડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ મંદી પાંચ ક્વાર્ટર સુધી રહી શકે છે.

યુરોપમાં પણ સંકટ ઘેરાશે

નોમુરાના મતે જો રશિયા યુરોપને ગેસ સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દે તો યુરોપિયન દેશોમાં મંદી વધુ ઘેરી બની શકે છે. રિપોર્ટ અનુસાર યુરોપની અર્થવ્યવસ્થામાં એક ટકાનુ નુકસાન થઈ શકે છે. વળી, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ મંદીના ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે. જો અહીં હાઉસિંગ સેક્ટર તૂટશે તો અહીં મંદીનો માર વધુ ખતરનાક બની શકે છે. આ મંદીનો સૌથી વધુ ભોગ દક્ષિણ કોરિયાને પડી શકે છે.

જાપાન પર પણ ખતરો

એશિયન અર્થતંત્રોની વાત કરીએ તો જાપાનની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ મંદીના જોખમમાં છે. જો કે, અહીં મંદીની અસર તુલનાત્મક રીતે ઓછી હોઈ શકે છે. જાપાનને નીતિ સમર્થન અને આર્થિક પુનઃ ખોલવામાં વિલંબ દ્વારા મદદ મળી શકે છે.

ભારત-ચીન લહેરાવશે ઝંડો

નોમુરાનો અંદાજ છે કે એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન, અનુકૂળ નીતિઓને કારણે મંદીથી બચી શકે છે. જો કે, ચીન પર ઝીરો-કોવિડ વ્યૂહરચનાને કારણે કડક લોકડાઉનનુ જોખમ છે. ભારત, મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપી વિકાસ દર ધરાવતો દેશ પણ મંદીથી દૂર રહી શકે છે. જો કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની મર્યાદિત અસરની શક્યતા નકારી શકાય તેમ નથી.

હજુ વધુ ગગડશે શેર માર્કેટ

નોમુરાએ પોતાના અહેવાલમાં લખ્યુ છે કે શેરબજારનો ડાઉનટ્રેન્ડ હજુ અટકવાનો નથી. નોમુરાએ કહ્યુ છે કે આર્થિક મંદીને કારણે વિશ્વભરના બજારો વધુ નીચે આવવાના છે. રિપોર્ટ અનુસાર અમેરિકાની અર્થવ્યવસ્થામાં આ મંદીને કારણે 1.5 ટકાનો ઘટાડો થવાનો છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના સમયે તે 10 ટકા હતો અને 1929માં મહા આર્થિક મંદીના સમયે તે 4 ટકા હતો.

MORE USA NEWS  

Read more about:
English summary
Many Major Economies to Hit Recession in Next 12 months, Nomura Says