જયપુર, 02 જુલાઈ : ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર ટેલર કન્હૈયા લાલની હત્યાના આરોપીઓને જયપુરમાં ટોળાના રોષનો સામનો કરવો પડ્યો હતો. ઉદયપુરમાં ઘાતકી હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશનો માહોલ છે. લોકોની માંગ છે કે આ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. આવી સ્થિતિમાં શનિવારે જ્યારે હત્યાના ચાર આરોપીઓને જયપુરની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર લોકોની ભીડ આરોપીઓ પર તૂટી પડી હતી અને ટોળાએ હત્યારાઓ સાથે મારામારી કરી હતી.
કન્હૈયાના હત્યારાઓને જયપુરની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે ચારેય આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર NIAને મોકલી દીધા હતા. આવી સ્થિતિમાં જ્યારે પોલીસ આરોપીઓને લઈને બહાર આવી ત્યારે કોર્ટ પરિસરની બહાર હાજર લોકોના ટોળાએ પોલીસની સુરક્ષા વચ્ચે આરોપીઓ પર હુમલો કર્યો હતો. લોકોએ આરોપીઓ પર થપ્પડો અને પાટુથી માર માર્યો હતો. એકાએક ભીડ આવી જતા વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. જો કે, ત્યારબાદ તરત જ આરોપીઓને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા.
લોકોના હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટોળું કેવી રીતે હત્યારાઓને માર મારી રહ્યું છે. આ દરમિયાન લોકોના રોષ સામે પોલીસ માટે બચાવવું મુશ્કેલ બની ગયું હતું. કોર્ટે ચારેય આરોપીઓને 12 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલી દીધા છે. NIAએ હત્યા કેસમાં આરોપીઓને પોતાની કસ્ટડીમાં લીધા છે. ઘટનાના બંને મુખ્ય આરોપીઓને અજમેર હાઈ-સિક્યોરિટી જેલમાંથી જયપુર લાવવામાં આવ્યા હતા અને NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે 28 જૂનની સાંજે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ઉદયપુરમાં દુકાનમાં ઘૂસીને ટેલર કન્હૈયા લાલની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે રાજસમંદના ભીમાથી બે હત્યારાઓની ધરપકડ કરી હતી. આરોપીઓનું ગળું કાપીને પોતાનો ગુનો કબૂલી લેતા બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.