નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ દેશભરમાં તેમના નિવેદનનો વિરોધ થયો હતો. ગલ્ફ દેશોએ પણ નૂપુર શર્માના નિવેદનની નિંદા કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે સમગ્ર દેશમાં જે કંઈ થઈ રહ્યુ છે તેના માટે એકલા નૂપુર શર્મા જવાબદાર છે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે અમે એ ટીવી ડિબેટ જોઈ જેમાં તે ઉશ્કેરણી કરે છે. પરંતુ જે રીતે તેણે આ બધુ કહ્યુ અને બાદમાં તેણે કહ્યુ કે તે એક વકીલ છે તે શરમજનક છે. તેણે આ માટે આખા દેશની માફી માંગવી જોઈએ. નૂપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યુ હતુ. નૂપુર શર્માએ પોતાની અરજીમાં કહ્યુ છે કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યુ કે નૂપુર શર્માને ધમકીઓ મળી રહી છે અથવા તે પોતે જ સુરક્ષા માટે ખતરો બની ગઈ છે.
તેમણે વધુમાં કહ્યુ કે જે રીતે દેશભરમાં લોકોની ભાવનાઓને ભડકાવી છે તેનાથી પોતાને સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે. આજે આખા દેશમાં જે કંઈ થઈ રહ્યુ છે તેના માટે આ મહિલા એકલી જ જવાબદાર છે. નોંધનીય છે કે ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ જે રીતે મોહમ્મદ સાહેબ વિશે ટીપ્પણી કરી હતી. ત્યારપછી ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને પાર્ટીએ તેમના નિવેદનથી અંતર કરી લીધુ હતુ. નુપુર શર્માના નિવેદન બાદ તેની ધરપકડ કરવાની માંગ સતત થઈ રહી છે.