ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ગુરુવારે (30 જૂન) વિધાનસભામાં કેન્દ્રની અગ્નિપથ યોજના વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. પંજાબના બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને આ ઠરાવ પસાર કર્યો છે. સીએમ ભગવંત માને બજેટ સત્ર દરમિયાન કહ્યુ હતુ કે અગ્નિપથ યોજના તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ. ઠરાવ વાંચતા સીએમ ભગવંત માને કહ્યુ કે, 'ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની એકપક્ષીય જાહેરાતથી દેશભરમાં વિરોધ થયો છે. પંજાબમાં પણ આ યોજના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.'
જો કે, ભાજપના બે ધારાસભ્યો અશ્વિની શર્મા અને જંગી લાલ મહાજને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા ભગવંત માને કહ્યુ કે તેઓ ટૂંક સમયમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે ઉઠાવશે. અગ્નિપથનો જોરદાર વિરોધ કરતા ભગવંત માને કહ્યુ કે આ યોજના દેશના યુવાનો વિરુદ્ધ છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવાએ અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ કરી હતી. અકાલી ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો અને યોજના પાછી ખેંચવાની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. બિહારથી લઈને તેલંગાના સુધી વિદ્યાર્થિનીઓએ આ યોજના વિરુદ્ધ પ્રદર્શન કર્યુ. સેનાએ 17થી 23 વર્ષના યુવાનો માટે અગ્નિપથ યોજના બહાર પાડી છે. તેનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે. લોકો તેના કાર્યકાળને લઈને જ નારાજ છે. વિરોધ કરનારાઓનો સવાલ એ છે કે ચાર વર્ષ પછી આ અગ્નિવીરોનુ શું થશે.