નવી દિલ્લીઃ દિલ્લી સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યુ છે. બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને ગુજરાતમાંથી આવેલી ભાજપની ટીમને કહ્યુ કે તેમના આવવાનો હેતુ માત્ર ખામીઓ શોધવાનો હતો. બે દિવસની મહેનત પછી પણ તેમને કંઈ ન મળ્યુ. પછી તે ઉત્તરપૂર્વ દિલ્લીના મોહલ્લા ક્લિનિકમાં ગયા જે NGTના આદેશ બાદ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યુ હતુ. જે બાદ તેઓ તમામ નવી બનેલી શાળાના સ્ટોર રૂમમાં ગયા પરંતુ ખામીઓ મળી ન હતી. વાસ્તવમાં, ગુજરાતના પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ બુધવારે આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ટીકા કરતા કહ્યુ હતુ કે દિલ્લી મોડલ અંગે AAP પાર્ટીના દાવા પોકળ છે. જેના જવાબમાં આજે મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
તમને જણાવી દઈએ કે રમણલાલ વોરા ભાજપ ડેલિગેશન સાથે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા દાવાઓનો પર્દાફાશ કરવા દિલ્હી આવ્યા હતા. મંગળવારે ગુજરાતમાંથી 17 સભ્યોની ટીમ બે દિવસના પ્રવાસે દિલ્લી પહોંચી હતી. ગુજરાતની 17 સભ્યોની આ ટીમનો હેતુ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના વિશ્વસ્તરીય દિલ્લી મોડલની જમીની વાસ્તવિકતા જાણવાનો હતો. બે દિવસ પૂરા થયા બાદ આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો.
વાસ્તવમાં આ બધુ ત્યારે શરૂ થયુ જ્યારે ગુજરાત ભાજપની ટીમ દિલ્લી ભાજપના નેતા મનોજ તિવારી સાથે દિલ્હીમાં એક મોહલ્લા ક્લિનિક અને એક સરકારી શાળાની મુલાકાત લઈ રહી હતી. તિવારીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે ક્લિનિક ખુલ્યુ ત્યારથી તેની હાલત ખરાબ થઈ ગઈ છે. બાદમાં અમિત ઠાકર અને વિભાવરી દવે સહિતની ભાજપની ટીમે એક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં વીડિયોમાં શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ તમામ બાબતોને કારણે સિસોદિયાએ પોતાનો જવાબ આપ્યો.