ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની જે રીતે હત્યા કરવામાં આવી તે પછી રાજ્યમાં સ્થિતિ હજુ પણ ખૂબ જ તંગ છે. આ જ કારણ છે કે પ્રશાસન સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક છે. આજે ઉચ્ચ અધિકારીઓએ શુક્રવારની નમાજ અને ઉદયપુર રથયાત્રાને લઈને કડક આદેશ આપ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તમામ શહેરોને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે કન્હૈયા લાલની હત્યા બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે કન્હૈયા લાલના પરિવારને મળ્યા હતા અને પરિવારના સભ્યોને 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. કન્હૈયા લાલની હત્યા અંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. અમે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. એક દિવસની તપાસમાં જાણવા મળ્યુ કે આ લોકોના આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંબંધ છે. આ એક આતંકવાદી ઘટના છે.