મહારાષ્ટ્રમાં એક દિવસ જૂની શિવસેના-ભાજપ સરકાર 4 જુલાઈએ ફ્લોર ટેસ્ટનો સામનો કરશે. ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે શુક્રવારે સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જો જરૂર પડશે, તો આ પદ માટેની ચૂંટણી 3 જુલાઈએ યોજાશે, જ્યારે ગૃહનું બે દિવસનું વિશેષ સત્ર શરૂ થશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 3 જુલાઈથી બે દિવસીય વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે.
શુક્રવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે અમારી પાસે કુલ 170 ધારાસભ્યોનું સમર્થન છે, જે રાજ્યમાં સરકાર બનાવવા માટે આરામદાયક બહુમતી છે. તેમણે કહ્યું કે જે પણ ધારાસભ્યો અત્યારે બહાર છે તેઓ આવતીકાલે મુંબઈ આવશે. જણાવી દઈએ કે, એકનાથ શિંદેએ તમામ ધારાસભ્યોને આવતીકાલે મુંબઈ આવવા માટે કહ્યું છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના નાના પટોલેએ રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું હતું. વિધાન ભવનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે 4 જુલાઈએ ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર અગાઉ 2 અને 3 જુલાઈએ યોજાવાનું હતું, પરંતુ હવે તે 3-4 જુલાઈએ યોજાશે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. તેમણે સુપ્રીમ કોર્ટને 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. શિવસેનાના વ્હીપ ચીફ સુનિલ પ્રભુએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તે 15 અન્ય ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, શિંદે સરકાર માટે રાહતની વાત છે કે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા 11 જુલાઈની તારીખ આપી છે.