શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી રવાના કરી છે. બેઝ કેમ્પથી યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે અમરનાથ યાત્રા બે વર્ષના અંતરાલ પછી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક ભક્તે કહ્યુ કે અમે બાબા ભોલેનાથની પૂજા કરવા માટે બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, આ યાત્રા શરૂ થવાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉધમપુર જિલ્લામાં કાલી માતા મંદિરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કાશ્મીરથી આજે ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે રવાના થયા છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી પરંતુ હવે સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી એકવાર આ યાત્રા શરૂ કરવામાં આવી છે. યાત્રા પર આતંકી ખતરાને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ યાત્રામાં CRPFની બાઇક ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. આ ટુકડી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ રેખા પર નજર રાખશે. યાત્રા પહેલા લશ્કરે આ અંગે ધમકી આપી છે.