ચંદીગઢ, 28 જૂન : પંજાબમાં નવી સરકાર બન્યાના ત્રણ મહિના બાદ જ નવું બજેટ આવ્યુ છે. આમ આદમી પાર્ટી સરકારના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ તેમના પ્રથમ બજેટમાં યુવાનોને હજારો નોકરીઓની ભેટ આપી હતી. તેમણે કહ્યું કે, અમારી સરકારે 26,454 નવી ભરતીઓને મંજૂરી આપવાનો અને 36,000 કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે, ગઈકાલે જ રાજ્ય વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટે AAP સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રીએ કહ્યું કે, સરકારી પોર્ટલ અને ઈ-મેલ દ્વારા 20,384 સૂચનો મેળવ્યા બાદ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા બાદ ભગવંત માન સરકારનું પહેલું બજેટ રજૂ કરતાં તેમણે નોકરીઓ અને શિક્ષણને લગતી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ તેમના વ્યવસાય પ્રસ્તાવો આપશે. બજેટમાં પંજાબ યુથ આંત્રપ્રિન્યોર પ્રોગ્રામ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ધોરણ 11ના વિદ્યાર્થીઓ તેમના બિઝનેસ પ્રસ્તાવો સબમિટ કરી શકશે. રાજ્ય સરકાર આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થી દીઠ રૂ. 2,000 ની રકમ આપશે.
ચીમાએ એ પણ જાહેરાત કરી હતી કે સરકાર પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજો સ્થાપશે. નવી નોકરીઓમાં વધારો થવાની આશા છે. સરકાર 117 મોહલ્લા ક્લિનિક પણ સ્થાપશે, જેના માટે 77 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એવી અપેક્ષા છે કે આ ક્ષેત્રમાં પણ નોકરીઓ વધશે.