મુંબઈઃ મુંબઈના કુર્લાના નાઈક નગર વિસ્તારમાં 4 માળની ઈમારત ધરાશાયી થઈ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. જો કે આ દુર્ઘટનામાં કેટલા લોકો ફસાયા છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારે કહ્યુ કે અમે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. વળી, BMC દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ દુર્ઘટના બાદ 8 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 20-25 લોકો ફસાયેલા હોઈ શકે છે. BMC તરફથી કહેવામાં આવ્યુ છે કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા 8 લોકોની હાલત સ્થિર છે.
દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે સ્થળ પર રાહત અને બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવા જણાવ્યુ હતુ. ઠાકરેએ કહ્યુ કે 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહીંની તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ એ પછી પણ લોકો આ ઈમારતોમાં રહેતા હતા. અમારી પહેલી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે. સવારે આ ઈમારતોને ખાલી કરાવવામાં આવશે ત્યારબાદ આ ઈમારતોને તોડી પાડવામાં આવશે. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે નોટિસ મળ્યા બાદ આ ઈમારતો ખાલી કરી દેવી જોઈએ નહિતર આવા અકસ્માતો થતા રહેશે.