ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે સરકારી શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓની અવગણના કરવા માટે અગાઉના શાસનો પર આરોપ મૂક્યો હતો અને કહ્યુ હતુ કે AAP શાસન તેમને સાચા અર્થમાં 'નંબર 1' બનાવશે. માનનુ નિવેદન રાજ્ય વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન આવ્યુ હતુ.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ એક પૂરક પ્રશ્નમાં જણાવ્યુ હતુ કે 2019-20માં પંજાબને કેન્દ્ર દ્વારા 'પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ' માં 'નંબર 1' ક્રમ આપવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટી (AAP) સરકારે તેને સ્વીકારવુ જોઈએ. વિપક્ષના નેતા બાજવાએ કહ્યુ કે AAPએ શિક્ષકો, શિક્ષણ વિભાગ અને વિદ્યાર્થીઓને શ્રેય આપવો જોઈએ.
તેના જવાબમાં મુખ્યમંત્રી ભગવંત માને અગાઉના કોંગ્રેસ શાસન પર કટાક્ષ કર્યો હતો અને કહ્યુ હતુ કે માત્ર બહારથી ઇમારતોને રંગવાથી તે સ્માર્ટ શાળાઓ બની શકતી નથી. 'શું પીવાનું પાણી છે? શું આ શાળાઓમાં શિક્ષકો છે? શું બેસવા માટે યોગ્ય બેન્ચ છે? બાજવા સાહેબ, આ નંબર 1 નથી, આ 'જાલી' (નકલી) નંબર 1 છે, અમે તેમને સાચી નંબર 1 બનાવીશું.'