નવી દિલ્લીઃ દિલ્હી સરકારના મહેસૂલ વિભાગે સરકારી જમીન ખાનગી લોકોને ટ્રાન્સફર કરવાના મામલા સામે આવ્યા બાદ તમામ જમીનના રેકોર્ડને કેન્દ્રીય સર્વર પર લાવવા અને તેને સરળતાથી સુલભ બનાવવાનો નિર્ણય લીધો છે. જમીનના રેકોર્ડ ડિજિટલ હોવા છતાં એવુ કોઈ પોર્ટલ કે સાઈટ નથી કે જ્યાં આ રેકોર્ડ અધિકારીઓને સરળતાથી મળી શકે.
સૂત્રોએ જણાવ્યુ કે સરકારે હવે તમામ સરકારી જમીન પંચાયતો, ગ્રામસભાઓ, ખાલી પડેલી અથવા કબજે કરેલી જમીનની વિગતો કેન્દ્રીય સર્વર પર લાવવાનો નિર્ણય કર્યો છે અને તેને વેબસાઇટ પર પણ અપલોડ કરી દીધી છે. આનાથી સબ-રજિસ્ટ્રારને તે નક્કી કરવામાં મદદ મળશે કે જે જમીન તેમની પાસે રજિસ્ટ્રી માટે આવી છે તે સ્વચ્છ વેચાણ ખત અને માલિકીની યોગ્ય શ્રેણી ધરાવે છે કે કેમ. આ જમીન સરકારી એજન્સી દ્વારા સંપાદિત કરવામાં આવી છે કે કેમ. તાજેતરમાં જ સપાટી પર આવેલા ઝાંગોલા ગામ જમીન કૌભાંડમાં સરકારી અધિકારીઓએ કથિત રીતે છેલ્લા સાત વર્ષમાં રૂ. 500 કરોડથી વધુ મૂલ્યની ખાલી જમીન ખાનગી સંસ્થાઓને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.
મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જો જમીનનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોત તો આ કૌભાંડ શક્ય ન બન્યુ હોત. જમીનની નોંધણી પહેલા સબ-રજિસ્ટ્રારને જમીનની સ્થિતિ અંગે વિવિધ કચેરીઓમાંથી ચોક્કસ એનઓસીની જરૂર પડે છે. જે સમય માંગી લે છે અને ભ્રષ્ટાચારની સંભાવના વધે છે. જો માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હશે તો સબ-રજિસ્ટ્રારને હવે NOC માટે રાહ જોવી પડશે નહિ અને તેઓ તેમના કમ્પ્યુટર પર ગ્રાઉન્ડ સ્ટેટસ ચેક કરી શકશે. અધિકારીઓના જણાવ્યા મુજબ 1921માં દિલ્હીમાં 314 ગામો હતા જે દરેક વસ્તી ગણતરી સાથે સંખ્યા ઘટી રહી છે.
2011ની વસ્તી ગણતરી મુજબ દિલ્હીમાં ગામડાઓની સંખ્યા 118 આસપાસ છે. આ ગામોમાં પંચાયતો અથવા ગ્રામસભાઓ અને સરકારની માલિકીના કેટલાક પ્લોટ છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે શહેરમાં ફેલાયેલી મિલકતોની સંખ્યા પણ 700ની નજીક છે. આ મિલકતો સીધી ભારત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.