નવી દિલ્લીઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ હવે સુપ્રીમ કોર્ટ પહોંચવા જઈ રહ્યુ છે. બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ તેમને અને 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના શિવસેનાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શિવસેનાએ અજય ચૌધરીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવાના નિર્ણયને પણ પડકાર્યો છે. બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે જ્યાં સુધી આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી ડેપ્યુટી સ્પીકરને અયોગ્યતાની પ્રક્રિયા આગળ ન વધારવાનો આદેશ આપે. વળી, અરજીમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે કે તેઓ મહારાષ્ટ્ર સરકારને ધારાસભ્યોના પરિવારોને સુરક્ષા આપવાનો નિર્દેશ આપે.
એકનાથ શિંદેએ પોતાની અને અન્ય ધારાસભ્યો વિરુદ્ધ શિવસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે. જસ્ટીસ સૂર્યકાંત અને જેબી પારડીવાલાની બેન્ચ આજે શિંદેની અરજી પર સુનાવણી કરશે. એકનાથ શિંદે તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને બીજી તરફ શિવસેના તરફથી અભિષેક મનુ સિંઘવી હાજર રહેશે. મહારાષ્ટ્ર સરકાર વતી દેવદત્ત કામત સરકારનો પક્ષ લેશે. વળી, રવિશંકર જંધ્યાલા ડેપ્યુટી સ્પીકર વતી વકીલાત કરશે.
તમને જણાવી દઈએ કે શિંદેની છાવણી શિવસેના મહાવિકાસ અઘાડીથી અલગ થવાની માંગ કરી રહી છે પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમ કરવાનો ઈન્કાર કરી દીધો છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે તે પોતાના પદ પરથી રાજીનામુ આપે અને ફરીથી ચૂંટણી લડે. નોંધનીય છે કે શનિવારે 16 બળવાખોર ધારાસભ્યોને સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા. તેમને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ.