નવી દિલ્લીઃ શુક્રવારે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કીર્તિ નગરની મુલાકાત લીધી જે દિલ્હીના પાંચ બજારોની પુનર્વિકાસ યોજનામાં શામેલ છે. હાલમાં કીર્તિ નગર માર્કેટને ફર્નિચર હબ તરીકે ઓળખવામાં આવે છે જેનુ પુનઃવિકાસ પછી વધુ વિસ્તરણ કરવામાં આવશે. આ માર્કેટને એક અનન્ય બ્રાન્ડ તરીકે વિકસાવવાની યોજના છે.
ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ માર્કેટની મુલાકાત લઈને વેપારીઓ તેમજ ગ્રાહકો સાથે વાતચીત કરી તેમને સમજ્યા અને તેમના સૂચનો લીધા. સિસોદિયાએ કહ્યુ કે બજારના પુનઃવિકાસ પર કેટલાક કામ શરૂ થયા છે જે ટૂંક સમયમાં દેખાશે. તેમજ રિડેવલપમેન્ટ બાદ આ માર્કેટને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે બ્રાન્ડિંગ કરવાનું કામ સરકાર કરશે. બજારમાં વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા યુવાનોના કૌશલ્યને સુધારવા માટે સરકાર દ્વારા તેમને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે.
સિસોદિયાએ કહ્યું કે કીર્તિ નગર માત્ર દિલ્હી-ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ ફર્નિચર માર્કેટમાં શામેલ છે. પુનઃવિકાસ પછી અમે તેને નવો દેખાવ આપવા માટે કામ કરીશુ જેથી વેપારીઓ અને ખરીદદારો બંનેને વધુ સારો અનુભવ મળે. આ માર્કેટનો પુનઃવિકાસ કરીને તેને માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફર્નિચરના ક્ષેત્રમાં નવી ઓળખ આપવાનુ કામ કરવામાં આવશે.
તેમણે કહ્યુ કે તેને એક બ્રાન્ડ તરીકે વિકસાવવામાં આવશે જેથી દરેક દિલ્હીવાસી આ માર્કેટ પર ગર્વ અનુભવી શકે. તેમણે કહ્યુ કે હાલમાં બજારમાં કેટલીક મૂળભૂત સુવિધાઓનો અભાવ છે પરંતુ હવે કેજરીવાલ સરકારે તેનુ સંપૂર્ણ સ્વરૂપ બદલવાની પહેલ કરી છે. સરકાર અને ઉદ્યોગપતિઓ સાથે મળીને આ ખામીઓને દૂર કરશે.