જમ્મુ કાશ્મીરઃ અનંતનાગ જિલ્લામાં ગુરુવાર 16 જૂનની રાતે આતંકીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે અથડામણ થઈ ગઈ. આ અથડામણમાં સુરક્ષાબળોના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા. કાશ્મીર ક્ષેત્રના પોલિસ મહાનિરીક્ષક(આઈજીપી) વિજય કુમારે જણાવ્યુ કે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જુનેદ ભટ અને વાસિત વાની તરીકે થઈ છે.
તેમણે જણાવ્યુ કે બંને આતંકવાદીઓ 31 મેના રોજ (કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં) સ્કૂલ ટીચર રજની બાલાની હત્યામાં શામેલ હતા. ત્યારથી અમે આ આતંકવાદીઓને ટ્રેક કરી રહ્યા હતા. મીડિયાને માહિતી આપતા IGP વિજય કુમારને ગુરુવાર, 16 જૂનના રોજ રહેણાંક વિસ્તારમાં આ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને આતંકીઓ માર્યા ગયા હતા.
તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી પોલીસ અને સુરક્ષા દળોએ કુલગામના મીશીપુરા વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક મહિલા શિક્ષિકા રજની બાલાનો હત્યારો હતો. વળી, એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી બાસિત વાની ગયા વર્ષે 9 ઓગસ્ટે ભાજપના સરપંચ રસૂલ ડારની પત્નીની હત્યામાં શામેલ હતો. આ સિવાય પુલવામા જિલ્લાના એક ગામમાંથી 15 કિલો IED મળી આવ્યો છે અને મોટી દુર્ઘટના ટળી છે. આ સાથે આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.