ભરૂચ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે ૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું.
આ સિવાય મુખ્યમંત્રીના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે ૫.૪૪ કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ૯૩ MSME એકમોને ૧૧ કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન 'માય લિવેબલ ભરૂચ' અભિયાનનો પ્રારંભ પણ કરાવ્યો હતો, જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, લોકહિત માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે, છેલ્લા બે દશકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર વિવિધ સ્ટાર્ટ અપ પોલિસી, ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી, ઇલેક્ટ્રોનિક અને એરોસ્પેસ પોલિસી, સોલાર પોલિસી, ગારમેન્ટ-એપેરલ, ડિફેન્સ અને આઈ.ટી. પોલિસી ઘડીને તેના અસરકારક અમલીકરણ થકી વિકાસની યાત્રાને વધુ વેગવાન બનાવી રહી છે.
ઔદ્યોગિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ઉપયોગયુકત બનાવવા દહેજમાં ૧૦૦ MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ નિર્માણ એ રાજ્ય સરકારની આગવી સિદ્ધિ છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ રાજ્યનો છેવાડાનો માનવી કે રાજ્યના વિકાસમાં ભાગીદાર નાના મોટા ઉદ્યોગકારો હોય, સૌને સ્વ્ચ્છડ, શુદ્ધ પાણી મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નાશીલ હોવાનું જણાવ્યુ છે.