નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીના બજારોની કાયાકલ્પ કરવાનુ મન બનાવી લીધુ છે. માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પુનઃવિકાસ કરવામાં આવશે. સીએમ કેજરીવાલની સરકાર તબક્કાવાર તેમને બ્રાન્ડ કરશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે ફેઝ-1માં 5 માર્કેટ લઈ રહ્યા છીએ - કમલા નગર, ખારી બાવલી, લાજપત નગર, સરોજિની નગર અને કીર્તિ નગર. આ લોકપ્રિય બજારોને "રિડેવલપમેન્ટ એન્ડ રિબ્રાન્ડિંગ" સ્કીમના પ્રથમ તબક્કા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેનાથી રોજગાર વધશે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે જણાવ્યુ હતુ કે રિડેવલપમેન્ટ અને રિબ્રાન્ડિંગ પ્લાનથી માત્ર વિશ્વભરમાંથી શહેરની મુલાકાત લેતા પ્રવાસીઓને જ ફાયદો નહિ થાય પરંતુ બજારોમાં 'નોંધપાત્ર રીતે વેપાર અને રોજગારી પણ વધશે.
CM કેજરીવાલે કહ્યુ કે શહેરમાં ઘણા એવા બજારો છે જે ખૂબ પ્રખ્યાત છે. અમે અમારા બજેટમાં વચન આપ્યુ હતુ તેમ, આ બજારોનુ રિડેવલપમેન્ટ અને રિબ્રાન્ડિંગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અમે પાંચ બજારો લઈ રહ્યા છીએ જેને રિડેવલપ અને રિબ્રાન્ડ કરવામાં આવશે. આ બજારોમાં લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમે માહિતી આપી હતી કે અખબારમાં જાહેરાત આપ્યા બાદ તેમને 33 માર્કેટમાંથી 49 અરજીઓ મળી હતી.
પ્રથમ તબક્કામાં શોર્ટલિસ્ટ કરાયેલા બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં કોલેજના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય સ્થળ - કમલા નગર, એશિયાનુ સૌથી મોટું જથ્થાબંધ મસાલા બજાર- ખારી બાવલી, હાઈ સ્ટ્રીટ અને લગ્નની ખરીદી માટે જાણીતુ - લાજપત નગર, ઘરની સાજ-સજાવટ માટે સ્ટૉપ શૉપ - કીર્તિ નગર અને શહેરમાં ફાસ્ટ-ફૅશનનો પર્યાય ગણાતુ સરોજિની નગર. સીએમ કેજરીવાલે જણાવ્યુ હતુ કે આઠ સભ્યોની બનેલી એક સમિતિ જેણે બજારોની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ પાંચ બજારોને પુનઃવિકાસ અને રિબ્રાન્ડ કરવાનું નક્કી કર્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતું કે આ બજારો એકવાર પુનઃવિકાસ પામ્યા પછી વધુ નોકરીઓ ઉત્પન્ન કરવામાં સક્ષમ બનશે.
પ્રથમ તબક્કામાં માત્ર પાંચ બજારોની પસંદગી કરવામાં આવી છે. કેજરીવાલે જણાવ્યુ હતુ કે શહેરના તમામ બજારોને ધીમે ધીમે 'વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ' પર અપગ્રેડ કરવાની યોજના છે. આ માટે ડિઝાઇન સ્પર્ધા યોજવામાં આવશે. જેની વિગતો આગામી છ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. જેમાં દરેક માર્કેટ કેવી રીતે વિકસિત થશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશના શ્રેષ્ઠ ડિઝાઇનરો અને આર્કિટેક્ટ્સ આ ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લેશે અને બજારનો પુનર્વિકાસ સ્પર્ધામાંથી શ્રેષ્ઠ ડિઝાઇનના આધારે કરવામાં આવશે.