કોલકાતા, 13 જૂન : પશ્ચિમ બંગાળ એસેમ્બલીએ રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે રાજ્યપાલને બદલીને મુખ્યમંત્રીને બનાવવાનું બિલ પસાર કર્યું છે. સોમવારે વિધાનસભાએ પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી કાયદા (સુધારા) બિલ, 2022 ને તેની સંમતિ આપી હતી. હવે પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખરની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર બનશે.
સોમવારે શિક્ષણ પ્રધાન બ્રાત્ય બસુએ બંગાળ વિધાનસભામાં રાજ્યપાલને યુનિવર્સિટીઓના ચાન્સેલર પદ પરથી હટાવવા અને મુખ્ય પ્રધાનની નિમણૂક કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું. જે બાદ બિલ પર મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી લૉ એમેન્ડમેન્ટ બિલ 2022ની તરફેણમાં 182 અને વિરોધમાં 40 મત પડ્યા હતા. વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો હતો પરંતુ ટીએમસી સરકારે સરળતાથી આ બિલને વિધાનસભામાંથી પસાર કરાવી દીધું હતું. પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર હેઠળ 36 યુનિવર્સિટીઓ કાર્યરત છે. જ્યારે 12 ખાનગી યુનિવર્સિટીઓ છે. અત્યાર સુધી ગવર્નર તમામ યુનિવર્સિટીના ચાન્સેલર છે.
6 જૂનના રોજ પશ્ચિમ બંગાળ કેબિનેટે રાજ્યપાલ જગદીપ ધનખરને બદલીને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રાજ્યની યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકને લઈને રાજ્ય સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખર વચ્ચે લાંબી તકરાર ચાલી હતી. જે બાદ મમતા બેનર્જી સરકાર આ બિલ લાવી હતી, જેને આજે મંજૂરી પણ મળી ગઈ છે. તાજેતરમાં તમિલનાડુ સરકાર દ્વારા રાજ્ય સરકારને યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની સત્તા આપતું બિલ પસાર કરવામાં આવ્યું હતું.