પુલવામા, 12 જૂન : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનોએ અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. IGP વિજય કુમારે જણાવ્યું કે, માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક છે, તેઓ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા છે. તેમાંથી એક આતંકવાદીની ઓળખ જુનૈદ શિરગોરજી તરીકે થઈ છે, જે અમારા એક સહયોગી રિયાઝ અહેમદની હત્યામાં શામેલ છે.
રિયાઝ 13 મેના રોજ શહિદ થયો હતો. જ્યારે અન્ય બે આતંકવાદીઓની ઓળખ ફાજી નઝીર ભટ અને ઈરફાન અહ મલિક તરીકે થઈ છે, તેઓ પુલવામા જિલ્લાના રહેવાસી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો, બે એકે 47 રાઇફલ, એક પિસ્તોલ મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે, 27 મેના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં લશ્કરના ડેપ્યુટી કમાન્ડરના 3 આતંકીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર પહેલા એક વીડિયો સામે આવ્યો હતો. સેનાને ડ્રોન કેમેરા દ્વારા આતંકવાદીઓની સ્થિતિ વિશે જાણકારી મળી હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આતંકવાદીઓ પાસે કેટલા હથિયાર છે, તેમની સ્થિતિ શું છે. આ ફૂટેજની મદદથી સેનાએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી.
આ વીડિયોમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, આતંકવાદીઓએ એક ઘરની પાછળની ઝાડીઓમાં પોઝિશન લીધું હતું અને અંધારું થવાની રાહ જોઈ રહ્યા હતા. આતંકવાદીઓ અહીંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સુરક્ષા જવાનોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમના તમામ માર્ગો બંધ કરી દીધા હતા. સેનાની તમામ ટુકડીઓ આસપાસ તૈનાત હતી અને એન્કાઉન્ટરમાં આ ત્રણેય આતંકવાદીઓને બેઅસર કરવામાં સફળતા મળી હતી.