નવી દિલ્લીઃ નૂપુર શર્મા વિવાદમાં શુક્રવારે દેશભરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ ગૃહ મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપીને નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય તરફથી બધા પોલિસ પ્રમુખોને કહેવામાં આવ્યુ છે કે આજની ઘટનાઓ બાદ રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવે અને સતર્ક રહેવામાં આવે. ગૃહ મંત્રાલયના આ નિર્દેશ એ વાત તરફ ઈશારો કરે છે કે દેશમાં આવનારા દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર થઈ શકે છે.
પોલિસવાળા રાખે પોતાનુ ધ્યાનઃ MHA
મળતી માહિતી મુજબ MHA દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે આવી હિંસક ઘટનાઓમાં બદમાશો પોલીસ અધિકારીઓને નિશાન બનાવી શકે છે. આવી સ્થિતિમાં સતર્ક રહો અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવો.
ભડકાઉ ભાષણ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવેઃ ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે આગામી દિવસોમાં દેશની અંદર શાંતિ ડહોળવાનો વધુ એક પ્રયાસ થશે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત પોલીસકર્મીઓએ ધ્યાન રાખવુ જોઈએ કારણ કે ઉપદ્રવીઓ તેમને નિશાન બનાવી શકે છે. તમામ અર્ધલશ્કરી દળોને એલર્ટ મોડ પર રહેવાની જરૂર છે. આ સિવાય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઉશ્કેરણીજનક ભાષણ આપનારાઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યુ છે કે જો કોઈ ભડકાઉ ભાષણો કરતા જોવા મળે અથવા લાઈવ વીડિયો પોસ્ટ જોતા જોવા મળે તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
ગૃહ મંત્રાલયે આગામી દિવસોમાં આવી જ ઘટનાઓ બનવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને સાવચેતીના પગલાં લેવા માટે કહેવામાં આવ્યુ છે. સરહદી વિસ્તારોને સરહદ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે તેમજ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, હૈદરાબાદ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં નુપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા. ક્યાંક આ વિરોધ શાંત રહ્યો તો ક્યાંક તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યુ. આ પ્રદર્શન દરમિયાન અનેક પોલીસકર્મીઓને ઈજાઓ થઈ છે.