નવી દિલ્લીઃ આજે ચાર રાજ્યો વચ્ચે 16 રાજ્યસભા સીટો પર મતદાન થવાનુ છે જેના માટે બધા રાજકીય પક્ષોએ એડીચોટીનુ જોર લગાવી દીધુ છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાની 57 સીટોમાંથી 41 સીટો બિનહરીફ ચૂંટણી પહેલા જ થઈ ચૂકી છે. આજે માત્ર 16 સીટો પર મત નાખવામાં આવશે. આજે હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીટો માટે મતદાન થશે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ફૂંકી-ફૂંકીને પગ માંડી રહી છે. તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે અને તેથી તેમના ધારાસભ્યોને હોટલમાં સુરક્ષિત રાખ્યા છે. જેમના ભાવિનો આજે નિર્ણય થવાનો છે તેમાં કેબિનેટ મંત્રી પીયૂષ ગોયલ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રમોદ તિવારી, કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉત જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે આજે કડક સુરક્ષા અને દેખરેખ વચ્ચે મતદાન થશે. મતદાનથી લઈને મતગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચાર રાજ્યોમાં વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે રાજ્યોના 41 ઉમેદવારો ચૂંટાયા છે તે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. તમિલનાડુ, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાના અને ઝારખંડ છે.