ભારતમાં હિંદુઓની સંખ્યા ખરેખર ઘટી રહી છે?

By Bbc Gujarati
|

મદુરાઈમાં મળેલા હિંદુ મઠના સંમેલન અનુસાર આઝાદી પહેલાં ભારતમાં હિંદુઓની વસતી 93% હતી, જ્યારે હાલમાં માત્ર 80% હિંદુઓ છે. ઉપરાંત, મંદિરોને દાન પેટે ચૂકવવામાં આવતી રકમ અન્ય કાર્યોમાં ખર્ચવામાં આવી રહી છે. શું આ બંને વાત સાચી છે?

મદુરાઈ પલંગનાથમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સાધુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં મદુરાઈ મઠ, કોઈમ્બતુર કામાચી મઠ અને મન્નારગુડી જીયર સહિત અનેક મઠ-મંદિરના વડાઓએ હાજરી આપી હતી. પત્રકારપરિષદમાં મદુરાઈ મઠ અને પેરુર મઠ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ચર્ચામાં છે.

પત્રકારો સાથે વાત કરતાં પેરુર આદિનામે કહ્યું, "આઝાદી પહેલાં ભારતમાં 93% હિંદુઓ હતા પરંતુ હવે વસતીના માત્ર 80% હિંદુઓ છે. ભારતમાં સાત રાજ્યોમાં ધર્માંતરણ પર પ્રતિબંધનો કાયદો અમલમાં છે. તેવી જ રીતે, તામિલનાડુમાં પણ ધર્માંતરણ પર પ્રતિબંધનો કાયદો લાગુ થવો જોઈએ."

સંમેલનમાં બોલતાં, મદુરાઈ મંદિરના હરિહર જ્ઞાનસંપંથા રાષ્ટ્રીય પરમાચાર્ય સ્વામીએ કહ્યું, "સરકારના હિંદુ મંદિર વિભાગ હેઠળ આવતા મંદિરની તિજોરીમાં પૈસા ન નાખો. પૈસા સંબંધિત મંદિરમાં જતા નથી, બીજે વપરાય છે."


શું ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધી રહી છે?

હિંદુ સંગઠનો અને પક્ષો સમયાંતરે કહેતાં આવ્યાં છે કે ભારતમાં હિંદુઓની સંખ્યા સતત ઘટી રહી છે અને મુસ્લિમોની સંખ્યા વધી રહી છે. હવે તામિલનાડુમાં સાધુ સંમેલનમાં આ વાત કરવામાં આવી છે. શું આ ટિપ્પણી સાચી છે? જોઈએ.

આઝાદી પહેલાં ભારતની વસતીગણતરી 1941માં હાથ ધરવામાં આવી હતી. જોકે તેમાં દરેક પ્રદેશ અને દરેક રાજ્યમાં હિંદુ-મુસ્લિમની વસ્તીનો આંકડો સ્પષ્ટ કરવામાં આવ્યો ન હતો. તે સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વર્તમાન ભારતનો ભાગ હતો.

વર્ષ 1941માં ભારતમાં 59.38 ટકા હિંદુઓ અને 23.47 ટકા મુસ્લિમ હતા. જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે દેશનું વિભાજન થયું અને મુસ્લિમોની સંખ્યામાં ભારે ઘટાડો થયો, મોટાભાગના ઇસ્લામિક વિસ્તારો પાકિસ્તાનમાં ગયા. ત્યારબાદ 1951ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં હિંદુઓની ટકાવારી 84.1 ટકા અને મુસ્લિમોની ટકાવારી 9.8 ટકા હતી. ખ્રિસ્તીઓ 2.3 ટકા હતા.

તેના 60 વર્ષ બાદ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની વસતી 121 કરોડ 8 લાખ 54 હજાર 977 હતી. જેમાં હિંદુઓની વસતી 79.79 ટકા અને મુસ્લિમોની વસતી 14.22 ટકા નોંધાઈ છે.

સાધુઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 93 ટકા હિંદુ વસતી ક્યારેય નહોતી. 1941ની વસતીગણતરી મુજબ, હિંદુઓની વસતી 59.38 ટકા હતી જે વિભાજન બાદ 1951માં વધીને લગભગ 84 ટકા થઈ હતી અને અત્યારે તે 80 ટકા છે. આઝાદી પહેલાં મુસ્લિમોની વસતી 23.47 ટકા હતી. જે વિભાજન બાદ 1951માં ઘટીને 9.8 ટકા થઈ હતી અને હાલ તે 14.22 ટકા છે. તેથી હિંદુ વસતી 93 ટકાથી ઘટીને 80 ટકા થઈ ગઈ હતી તેવા દાવાના સમર્થન માટેના કોઈ પુરાવા નથી.

આગળ, ચાલો જોઈએ કે મંદિર માટે દાનમાં આપવામાં આવતી રકમ અન્ય કાર્યો પાછળ ખર્ચવામાં આવે છે તેવો મદુરાઈ મઠનો અભિપ્રાય સાચો છે કે કેમ?


"શું મંદિરમાં આવેલા દાનના પૈસા અન્ય કાર્યો પાછળ ખર્ચવામાં આવે છે?"

થોડાં વર્ષો પહેલાં તામિલનાડુમાં પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે, મંદિરોની પેટીમાં દાનમાં આપેલી રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવતી નથી. તેના બદલે, તે રકમ રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે અને નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

હકીકતમાં, શું મંદિરના અધિકારીઓ, રાજનેતાઓ કે સરકાર મંદિરની દાનપેટીમાંથી પૈસા લઈ શકે છે? તામિલનાડુમાં હિંદુ ધાર્મિક બાબતોના મંત્રાલયના નિયંત્રણ હેઠળનાં મંદિરોની પેટીમાં જમા થતા દાનની રકમની ગણતરી માટે વિવિધ પ્રક્રિયાઓ અને નિયમોનું પાલન કરવામાં આવે છે.

દરેક મંદિરમાં દાનપેટી અલગ-અલગ સમયે ખૂલે છે. પેટી ઘણીવાર મહિનામાં એકવાર અથવા પેટી ભરાઈ જાય ત્યારે ખોલવામાં આવે છે. આ ઉપરાંત, તમામ મંદિરોની પેટીઓ હિંદુ વર્ષના અંતમાં એટલે કે જૂનના અંતમાં ખૂલે છે.

બે લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતાં મંદિરોની તિજોરી ડેપ્યુટી કમિશનર અથવા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવે છે.

મંદિરની તમામ દાનપેટી ઉપર બે તાળાં હોય છે. એક પેટી પર લગાવેલું તાળું અને બીજું બહાર લગાવેલું તાળું. એક ચાવી મંદિરના સંચાલક અને બીજી મંદિરની યોગ્ય વ્યક્તિ અથવા ટ્રસ્ટી પાસે હોય છે.

દાનપેટી પરનાં તાળાં પર કપડું લપેટીને સીલબંધ કરવામાં આવે છે. એ જ રીતે, આ તાળાઓની ચાવીઓ કાપડમાં લપેટીને સીલ કરવામાં આવે છે. જે દિવસે દાનપેટી ખોલવામાં આવે છે તે દિવસે બંને પક્ષ તરફથી ચાવીઓ લાવવામાં આવે છે અને અધિકારીઓ અને ટ્રસ્ટીઓની હાજરીમાં ખોલવામાં આવે છે. તાળાં ખોલતાં પહેલાં તમામ દાનપેટી પર લગાવવામાં આવેલું સીલ તૂટેલું નથી તેની ખાતરી કરવા માટે બહારથી ઍસોસિયેટ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે છે.

ત્યાર બાદ, પ્રથમ દાનપેટી ખોલવામાં આવે છે અને તેને એક પેટીમાં ખાલી કરવામાં આવે છે. કઈ પેટી, કયા સમયે ખોલવામાં આવી તેની વિગતો રજિસ્ટરમાં નોંધવામાં આવે છે. એક પેટી ભરાઈ જાય પછી તેને લૉક કરવામાં આવે છે અને બીજી પેટી લાવવામાં આવે છે. ત્યારબાદ પેટીને એક સભાખંડમાં ગણતરીકેન્દ્રમાં લઈ જવામાં આવે છે. આ સભાખંડ મોટાભાગે જાહેર જનતા માટે ખુલ્લો રહે છે.

સભાખંડમાં પેટીઓ ખોલવામાં આવે છે. મંદિરના અધિકારીઓ, બૅંક અધિકારીઓ (જો તે મોટું મંદિર હોય તો), સ્વયંસેવકો અને ભક્તોને દાનની રકમને ગણવા માટે આવકારવામાં આવે છે. તેમની વિગતો નોંધવામાં આવે છે.

દરેક પ્રકારની નોટના બંડલ તૈયાર કરવામાં આવે છે અને બૅંક અધિકારીને સોંપવામાં આવે છે. આમ તમામ નાણાંની ગણતરી થઈ ગયાં પછી, કુલ રકમ બૅંક અધિકારીઓને આપવામાં આવે છે અને મંદિરના એક ખાતા માટે મંદિરના અધિકારીને પૈસા આપવામાં આવશે (દરેક મોટા મંદિરનાં બે ખાતાં હોય છે. એક ક્રેડિટ માટેનું અને બીજું ખર્ચ માટેનું). મંદિરના દાનપેટી રજિસ્ટરમાં સલૂન નંબર નોંધવાની સાથે જ દાનપેટીનાં નાણાંને ગણવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

આ દાનપેટીમાં આવતા દાગીનાનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેને સોના, ચાંદી અને તાંબા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક વજનકાંટા પર તેનું વજન કરીને મંદિરના ખાતામાં જમા કરવામાં આવે છે. જો ઝવેરાત હોય તો તેની પણ નોંધ કરવામાં આવે છે અને મંદિરની તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે.

આ તમામ વિગતો વિવિધ અધિકારીઓની મંજૂરીથી દાનપેટી રજિસ્ટર, ભેટ રજિસ્ટર, જ્વેલરી રજિસ્ટર જેવાં વિવિધ રજિસ્ટરમાં નોંધવામાં આવે છે. એ જ રીતે દાનપેટીના પૈસા ગણનારાઓની સહીઓ પણ લેવામાં આવે છે.

મદુરાઈમાં કાંજનૂર અગ્નિશ્વર મંદિર, તિરુપુરમ્બિયમ સાચ્ચી નાદેશ્વર મંદિર અને કાચનમ કૈચિન્નેશ્વર મંદિર સહિતનાં મંદિરો છે. જ્યારે આ મંદિરોની દાનપેટીઓ ખોલવામાં આવે છે ત્યારે મઠાધિપતિ મંદિરના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. દાનપેટીની ચાવીઓનો સમૂહ તેમના કબજામાં રહેશે. ભેટની ગણતરી કર્યા પછી, તે મંદિરના ખાતામાં જમા થાય છે. આ માટે મઠાધિપતિની મંજૂરી મેળવવામાં આવે છે.


https://www.youtube.com/watch?v=JUeyXcAaGzs

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો