નવી દિલ્લીઃ ભારતીય ચૂંટણી પંચ આજે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચ આજે (9 જૂન) બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આવતા મહિને (જુલાઈ)માં સમાપ્ત થઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે એ સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે તારીખની જાહેરાત કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા)ના સભ્યો ઉપરાંત તમામ રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ધારાસભ્યોએ તેમના મત આપ્યા હતા. નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી.
દેશની છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી જુલાઈ 2017માં યોજાઈ હતી. એનડીએના રામનાથ કોવિંદ ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમણે 25 જુલાઈ 2017ના રોજ દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આંકડાઓ જોતા એનડીએના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે.