29 એ થયુ સિદ્ધુ મૂસેવાલાનુ હત્યાકાંડ
29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં, ગાયક સિદ્ધુ મુસેવાલાને તેમના ગામ નજીક તેમની કારમાં બદમાશોએ ગોળી મારી દીધી હતી. સિદ્ધુ મુસેવાલાને બદમાશોએ 20થી વધુ ગોળીઓ મારી હતી. આ હત્યાકાંડ બાદ સમગ્ર પંજાબમાં ખળભળાટ મચી ગયો હતો. પંજાબ પોલીસ એલર્ટ પર આવી ગઈ.
દિલ્લી પોલિસનો ખુલાસો, લૉરેન્સ બિશ્નોઈનો હાથ
હવે બુધવારે સ્પેશિયલ પોલીસ કમિશનર એચએસ ધાલીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ લૉરેન્સ બિશ્નોઈનો હાથ છે. ધાલીવાલના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ મૂસેવાલા હત્યા કેસ પર કામ કરી રહી છે તેમજ આરોપીઓને વહેલી તકે પકડી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. તેમણે કહ્યુ કે પંજાબમાં કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યારાઓને પકડવાનો અમારો પ્રયાસ છે. સ્પેશિયલ સેલ દ્વારા ગુનાખોરી અને ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પૂણેથી ધરપકડ થઈ શૂટરની
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તેમની છેલ્લી અરદાસ સભા મૂસેવાલા ગામમાં થઈ હતી. અહિ દિલ્હી પોલીસે પૂણે પોલીસ સાથે મળીને આ મામલામાં પહેલી ધરપકડ કરી. પોલીસે હત્યા બાદ ફરાર આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ ઉર્ફે મહાકાલને પૂણે-અહમદનગર બોર્ડર પાસેના સંગમનેરમાંથી પકડી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સિદ્ધુ મૂસેવાલા પર અંધાધૂંધ ફાયરિંગ કરનારા હુમલાખોરોમાંથી સિદ્ધેશ એક છે.
સુરક્ષા ઘટ્યાના એક દિવસ બાદ થયુ મર્ડર
અગાઉ મંગળવારે પંજાબ પોલીસે કહ્યુ હતુ કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી જ્યારે પંજાબ સરકારે એક દિવસ પહેલા તેમની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. જીપમાં બેઠેલા મૂસેવાલા પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ, જેમાં તેમના પિતરાઈ ભાઈ અને એક મિત્રને પણ ઈજા થઈ હતી. આ હત્યાકાંડ પાછળ લૉરેન્સ ગેંગનો હાથ હતો. કેનેડા સ્થિત ગોલ્ડી બ્રાર કે જે લોરેન્સ ગેંગનો સભ્ય છે તેણે હત્યાની જવાબદારી સ્વીકારી હતી.