નવી દિલ્લીઃ મોહમ્મદ સાહેબને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ આતંકી સંગઠન અલ કાયદાએ ભારતમાં અલગ-અલગ જગ્યાએ ધમાકાની ધમકી આપી છે. 6 જૂને અલ કાયદાએ એક ધમકીભર્યા પત્રમાં કહ્યુ કે તે દિલ્લી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરશે. મોહમ્મદ સાહેબના સમ્માન માટે આ આત્મઘાતી હુમલા કરવામાં આવશે. વાસ્તવમાં, હાલમાં જ ભાજપના અમુક નેતાઓએ મોહમ્મદ સાહેબને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ તેમના નિવેદનથી રાજકારણ ગરમાયુ છે.
અલ કાયદાએ પોતાના પત્રમાં લખ્યુ છે કે, 'અમે અમારા મોહમ્મદનું અપમાન કરનારાઓને મારી નાખીશુ. અમે અમારા શરીર પર વિસ્ફોટકો, બાળકોના શરીર પર વિસ્ફોટકો મૂકીશુ અને મોહમ્મદનુ અપમાન કરનારાઓને ઉડાવી દઈશુ.' ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોવી પડશે. અમે તે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે તેઓ મોહમ્મદ સાહેબ માટે તેમના મોઢામાંથી કંઈ ન કાઢે, ખાસ કરીને હિન્દુત્વવાદી આતંકવાદીઓ કે જેમણે ભારત પર કબજો જમાવ્યો છે. અમે મોહમ્મદ સાહેબના સન્માન માટે લડીશુ.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા દેશો ભારતીય જનતા પાર્ટીના મલેશિયા, કુવૈત, પાકિસ્તાન, ભારતના નેતાઓના નિવેદનોની ટીકા કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા નુપુર શર્માએ પણ એક ટીવી ડિબેટ દરમિયાન ઈસ્લામ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જ્યારે નવીન જિંદાલે પણ ટ્વિટર પર વાંધાજનક ટ્વીટ કર્યુ હતુ. જો કે, ભારતે આ નિવેદનોથી પોતાને દૂર રાખ્યા છે અને આ નિવેદનોને ફ્રિન્જ એલિમેન્ટ્સ ગણાવ્યા છે. ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના નિવેદનની પણ નિંદા કરી છે જે તેણે ભારત વિરુદ્ધ જાહેર કર્યુ છે અને તેને અન્યાયી અને સંકુચિત માનસનુ ગણાવ્યુ છે. આ પહેલા ભાજપે નુપુર શર્માને તેમના પદ પરથી હટાવ્યા હતા. નવીન જિંદાલને પણ મીડિયા ઈન્ચાર્જના પદ પરથી હટાવ્યા હતા. પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે કોઈપણ ધાર્મિક વ્યક્તિત્વનુ અપમાન સ્વીકાર્ય નથી.