નવી દિલ્હી, 07 મે : પયગંબર પર વિવાદાસ્પદ ટીપ્પણી બાદ ભાજપે પોતાની પાર્ટીના પ્રવક્તા અને પેનલના સભ્યોને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે. પાર્ટીની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે માત્ર સત્તાવાર પ્રવક્તા અને પેનલના સભ્યોને જ ટીવી ડિબેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે ભાજપે પોતાના પ્રવક્તાઓને ગાઈડલાઈન્સની સાથે અન્ય ઘણા સૂચનો પણ આપ્યા છે.
ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ છે. કતાર, કુવૈત, UAE, પાકિસ્તાન, માલદીવ્સ અને ઈન્ડોનેશિયા સહિતના ઘણા દેશોએ એક ટીવી શો દરમિયાન શર્માની ટિપ્પણીની સખત નિંદા કરી છે. જે બાદ ભાજપે ટીવી શોમાં જનારા પ્રતિનિધિઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અંતર્ગત હવે માત્ર ભાજપના સત્તાવાર પ્રવક્તા અને પેનલના સભ્યોને જ ટીવી ડિબેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. પ્રવક્તાઓને ચર્ચામાં ધાર્મિક પ્રતીકો પર ટિપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી છે.
પ્રવક્તા અને ટીવી પેનલના સભ્યોને પાર્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર સંયમિત ભાષાનો ઉપયોગ કરે. કોઈની ઉશ્કેરણી પર પણ ઉશ્કેરાઈ જશો નહીં અને પક્ષની વિચારધારા અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરશો નહીં. ભાજપે પોતાના પ્રતિનિધિઓને સલાહ આપી છે કે તેઓ ટીવી ડિબેટમાં જતા પહેલા આ વિષય વિશે જાણી લે. પ્રવક્તાઓએ પક્ષના એજન્ડાથી વિચલિત ન થવું જોઈએ અને કોઈની જાળમાં ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું પણ જણાવાયું છે. તેઓએ શોમાં ગરીબોના કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યો વિશે લોકોને જણાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલને પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. શર્માની ટિપ્પણીની આંતરરાષ્ટ્રીય નિંદા થઈ છે. જે બાદ પાર્ટીએ તેના પ્રવક્તા અને પેનલના સભ્યો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.