ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને પાકિસ્તાને સોમવારે ભારતીય પ્રભારીને સમન્સ પાઠવ્યું હતું. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ટ્વિટ કરીને ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરેલી ટિપ્પણીની નિંદા કરી હતી. હવે ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશ મંત્રાલયના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ કહ્યું કે ભારત સરકાર તમામ ધર્મોનું સન્માન કરે છે અને પાડોશી દેશે તેના લઘુમતીઓની સુરક્ષા અને સુખાકારી પર ધ્યાન આપવું જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે લઘુમતીઓના અધિકારોનું સતત ઉલ્લંઘન કરતા એક દેશ દ્વારા બીજા દેશમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ટિપ્પણી કરવી કોઈને પણ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનમાં હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ, અહમદિયા અને અન્ય લઘુમતી સમુદાયો પર વ્યવસ્થિત રીતે થતા અત્યાચારનું સાક્ષી રહ્યું છે.
બાગચીએ કહ્યું કે ભારત સરકાર તમામ ધર્મો માટે સર્વોચ્ચ સન્માન રાખે છે, જ્યારે પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની પ્રશંસા કરવામાં આવે છે અને તેમના સન્માનમાં સ્મારકો બનાવવામાં આવે છે. પ્રવક્તાએ કહ્યું કે અમે પાકિસ્તાનને કહીએ છીએ કે તેઓ ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાને બદલે ભારતમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને સુખાકારી પર ધ્યાન આપે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રવિવારે ભાજપના નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીની નિંદા કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે ભારતની વર્તમાન સરકાર ધાર્મિક સ્વતંત્રતા અને ખાસ કરીને મુસ્લિમોના અધિકારોને કચડી રહી છે. આ વિવાદાસ્પદ ટીપ્પણીઓ સામે પોતાનો વિરોધ નોંધાવવા પાકિસ્તાને સોમવારે સવારે ભારતીય હાઈ કમિશનના ઈન્ચાર્જને બોલાવ્યા હતા.
બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ IOC દેશોના નિવેદનો પર કહ્યું કે, અમે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (IOC)ના મહાસચિવ દ્વારા ભારતને લઈને આપેલું નિવેદન જોયું છે. ભારત સરકાર IOC સચિવાલયની અયોગ્ય અને સંકુચિત ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે. ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરતી વાંધાજનક ટ્વીટ્સ અને ટિપ્પણીઓ કેટલાક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓ, કોઈપણ રીતે, ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. સંબંધિત સંસ્થાઓ દ્વારા આ વ્યક્તિઓ વિરુદ્ધ પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે.