નવી દિલ્હી, 6 જૂન : સંરક્ષણ મંત્રાલયે 76,390 કરોડ રૂપિયાના શસ્ત્રો અને લશ્કરી સાધનોની ખરીદીને મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં સોમવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકે સશસ્ત્ર દળો માટે 76,390 કરોડના શસ્ત્રો ખરીદવાના પ્રસ્તાવ (AON)ને મંજૂરી આપી હતી. આ પ્રાપ્તિ મેડ એન્ડ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા શ્રેણી હેઠળ કરવામાં આવશે.
સરકારે કહ્યું છે કે આનાથી ભારતીય સંરક્ષણ ઉદ્યોગને ફાયદો થશે અને આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ મજબૂતી મળશે.
સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, DAAC એ ભારતીય સેના માટે રફ ટેરેન ફોર્ક લિફ્ટ ટ્રક, બ્રિજ લેઇંગ વ્હીલ ટેન્ક, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સ અને આર્મર્ડ કોમ્બેટ વ્હીકલ વિથ વેપન ડિટેક્શન રડારની ખરીદીને મંજૂરી આપી છે.
DAC એ ભારતીય નૌકાદળ માટે લગભગ રૂ. 36000 કરોડના ખર્ચે નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ (NGCs) ની ખરીદીને મંજૂરી આપી છે. આ સિવાય ડોર્નિયર એરક્રાફ્ટ અને સુખોઈ-30MKI એરક્રાફ્ટના ઉત્પાદનને પણ જરૂરિયાતના આધારે મંજૂરી આપવામાં આવી છે.