કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર PM શ્રી શાળાઓ સ્થાપવાની પ્રક્રિયામાં છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પ્રયોગશાળા તરીકે કાર્ય કરશે. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં શાળા શિક્ષણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે ઉદ્ઘાટન સત્ર દરમિયાન આ માહિતી આપી હતી. માનવામાં આવે છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકારની સરકારી શાળાઓની સફળતાને જોતા મોદી સરકાર આ પગલું ઉઠાવી રહી છે.
મોડલ સ્કૂલ, એકલવ્ય સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય સ્કૂલ બાદ હવે દેશને ટૂંક સમયમાં બીજી કેટેગરીની સરકારી સ્કૂલો જોવા મળી શકે છે. દેશના વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકાર પણ હવે એક નવા પ્રકારની મોડલ સ્કૂલની સ્થાપના કરવાનું વિચારી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 પર એક કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ શાળાઓ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
We cannot deprive our new generation from 21st century knowledge and skills.
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 2, 2022
We are in the process of establishing PM Shri schools which will be fully equipped to prepare students for the future. These state-of-the-art schools will be the laboratory of NEP 2020. pic.twitter.com/Msefbv1t6R
તેમણે કહ્યું કે, સરકાર PM શ્રી શાળાઓ સ્થાપવાની પ્રક્રિયામાં છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હશે. આ અત્યાધુનિક શાળાઓ NEP 2020 ની પ્રયોગશાળા હશે. તેમણે PM શ્રી શાળાઓને ભાવિ બેન્ચમાર્ક મોડલ બનાવવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સમગ્ર શિક્ષણ ઇકોસિસ્ટમ પાસેથી સૂચનો અને પ્રતિસાદ માંગ્યો છે. આ પ્રસંગે બોલતા પ્રધાને જણાવ્યું કે, શાળા શિક્ષણ એ જ્ઞાન આધારિત સમાજનો પાયો છે અને NEP એ જ્ઞાન દસ્તાવેજ છે, જેનો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને શિક્ષણને બધા માટે સુલભ બનાવવાનો છે.
I also encourage and solicit suggestions and feedback from all our states/UTs and the entire education ecosystem for creating a futuristic benchmark model in the form of PM Shri schools.
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 2, 2022
School education is the foundation on which India will become a knowledge-based economy. pic.twitter.com/oE7EgRJA97
ધર્મેન્દ્ર પ્રધાને ઉમેર્યુ કે, આપણે અમૃત કાળના યુગમાં છીએ. ભારતને જ્ઞાન અર્થતંત્ર તરીકે સ્થાપિત કરવા માટે આગામી 25 વર્ષ નિર્ણાયક છે. આપણે એક એવી સંસ્કૃતિ છીએ જે વસુધૈવ કુટુંબકમમાં માને છે અને આપણે એ સમજવું જોઈએ કે આપણી પાસે માત્ર આપણા રાષ્ટ્રની જ નહીં પરંતુ વિશ્વની પણ જવાબદારીઓ છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 34 વર્ષ જૂની શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. આપણી સંસ્કૃતિ મુજબ નીતિ અને જ્ઞાનને શ્રેષ્ઠ ખજાનો ગણીને દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપવામાં આવી છે. સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સાકાર કરવા માટે સમગ્ર દેશ વડાપ્રધાનના નેતૃત્વમાં હાથ મિલાવી રહ્યો છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, પીએમ મોદીના કાર્યકાળના આઠ વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં ઘણી નવી પહેલ કરવામાં આવી છે, નવી શિક્ષણ નીતિ તેમાંથી એક છે. આ નીતિના પરિણામે દેશના યુવાનોને તેમની પ્રાદેશિક ભાષામાં ઉચ્ચ શિક્ષણ પણ મળશે. દેશમાં શિક્ષણ પરનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે, જેમાં કૌશલ્ય વિકાસ પર નોંધપાત્ર ભાર મૂકવામાં આવ્યો છે અને દેશના 1.34 કરોડ યુવાનોને કૌશલ્યયુક્ત બનાવવા માટે તૈયાર છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સમાં કહ્યું કે તમામ ભારતીય ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે. કોઈ ભાષા હિન્દી કે અંગ્રેજીથી નીચી નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આ સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે. આ દરમિયાન શિક્ષણ મંત્રીએ નવી શિક્ષણ નીતિ હેઠળ 5+3+3+4 અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, શિક્ષકોનું પ્રશિક્ષણ, પુખ્ત શિક્ષણ, શાળા શિક્ષણમાં કૌશલ્ય વિકાસ સહિત અને માતૃભાષામાં અભ્યાસને મહત્વ આપવું 21મી સદીના વૈશ્વિક નાગરિકો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી ઉપરાંત ઘણા રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક તૈયાર કરવા માટે સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કે.કસ્તુરીરંગન પણ હાજર હતા.