પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદના અણસાર
પૂર્વોત્તરના રાજ્યોમાં આજથી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બિહાર-ઝારખંડમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. વળી, આજે યુપી, એમપી, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનથી ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની ગતિવિધિ વધશે કારણ કે બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારતમાં નીચા સ્તરના દક્ષિણ-પશ્ચિમ પવનો 2 જૂનથી મજબૂત થવાની સંભાવના છે.
ગોવા જલ્દી પહોંચશે
દક્ષિણ પશ્ચિમ ચોમાસા વિશે વાત કરતા હવામાન વિભાગે કહ્યુ છે કે તેની હિલચાલ પૂરજોશમાં છે અને તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યુ છે. મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. તેથી આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ કર્ણાટક, તમિલનાડુ, કન્યાકુમારી અને ગોવા સહિત કોંકણ પટ્ટાના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ બંગાળ તરફ આગળ વધશે તેવી અપેક્ષા છે. ગલ્ફના બાકીના ભાગો, ઉત્તરપૂર્વીય રાજ્યો અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આગળ વધશે.
ચોમાસુ 29 મેએ કેરળ પહોંચ્યુ હતુ
નોંધનીય છે કે ચોમાસુ 29 મેના રોજ કેરળ પહોંચી ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કહ્યુ છે કે કેરળ-માહે અને લક્ષદ્વીપમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન એજન્સીએ આગામી પાંચ દિવસ દરમિયાન કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાના અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ
લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે. તેથી આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર દેશમાં હીટવેવની સ્થિતિ રહેશે નહિ અને આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.