આરબીઆઈના રિપોર્ટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાક કરતા કહ્યું છે કે, 8 નવેમ્બર 2016ના રોજ દેશને નોટબંધીના નામે અચાનક લાઈનમાં ઉભો કરવામાં આવ્યો હતો. લોકો પોતાના પૈસા ઉપાડવા તડપતા હતા, ઘણા ઘરોમાં લગ્નો હતા, બાળકો અને વૃદ્ધોની સારવાર થઈ રહી હતી, ગર્ભવતી મહિલાઓ હતી પણ લોકો પાસે પૈસા નહોતા, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે ઘણા લોકોના મોત થયા હતા.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નકલી નોટો અંગે જાહેર કરાયેલા આંકડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. નોટબંધીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે અચાનક દેશને લાઇનમાં લગાવી દીધો હતો. લોકો પોતાના પૈસા ઉપાડવા માટે ઝંખતા હતા. તેમણે કહ્યું કે, રાજાના એક સરમુખત્યારશાહી હુકમથી પ્રજાને ન ભરી શકાય તેવી ઈજા થઈ છે, દેશ નોટબંધીની પીડાને ક્યારેય ભૂલી શકશે નહીં.
રાહુલ ગાંધીએ લખ્યું, 2022માં RBI તરફથી સમાચાર આવ્યા છે કે, 500ની 101.9% થી વધુ અને 2 હજારની 54.16% નોટો બેંકમાં પહોંચી તે નકલી છે. 2016માં જ્યાં 18 લાખ કરોડ 'કેશ ઇન સર્ક્યુલેશન'માં હતા, આજે 31 લાખ કરોડ 'કેશ ઇન સર્ક્યુલેશન'માં છે. સવાલ એ છે કે તમારા 'ડિજિટલ ઈન્ડિયા', 'કેશલેસ ઈન્ડિયા'નું શું થયું, વડાપ્રધાન?
કોંગ્રેસ નેતાએ લખ્યું કે, નોટબંધીના સમયે મેં કહ્યું હતું કે આ એક 'રાષ્ટ્રીય દુર્ઘટના' છે. ગેરસમજ ન કરો - મોદીજીએ ભૂલ કરી નથી, આ જાણી જોઈને કરવામાં આવ્યું છે, જેથી કરીને 'મોદી-મિત્ર' મૂડીવાદીઓની લાખો કરોડોની લોન સામાન્ય લોકોના પૈસામાંથી માફ કરી શકાય અને તેમના કાળા નાણાને સફેદ કરી શકાય. રાજાના એક સરમુખત્યારશાહી હુકમથી પ્રજાને અવર્ણનીય ઈજા થઈ છે, દેશ નોટબંધીની પીડાને ક્યારેય ભૂલી શકશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. આમાં નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન બેંકિંગ સેક્ટરની પકડમાં આવેલી નકલી નોટોનો ડેટા પણ આપવામાં આવ્યો છે. તે મુજબ, નવી ડિઝાઇનવાળી 500ની નકલી નોટોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 102%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર બેંકિંગ સેક્ટરે 2021-22 દરમિયાન નવી ડિઝાઇનવાળી કુલ 79,669 નકલી નોટો પકડી છે. ગયા નાણાકીય વર્ષ 2020-21માં તેમની સંખ્યા માત્ર 39,453 હતી.
બીજી તરફ 2000ની નકલી નોટોમાં 55%નો વધારો થયો છે, સરકારે દેશમાં 2000ની નવી નોટો સાથે નવી ડિઝાઈનવાળી 500ની નોટ રજૂ કરી હતી. આ વર્ષે બેંકિંગ સેક્ટરમાં 2000 રૂપિયાની 13604 નકલી નોટો પણ ઝડપાઈ છે. તેની કુલ કિંમત 2,72,08,000 છે.