શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મંગળવારે એક સ્કૂલ ટીચરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતકની ઓળખ જમ્મુ ક્ષેત્રના સાંબાની રહેવાસી 36 વર્ષની રજનીબાલા તરીકે થઈ છે. રજની બાલાને કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં ગોળી મારવામાં આવી જ્યાં તે એક શિક્ષક તરીકે તૈનાત હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ રજનીને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેનુ મોત થઈ ગયુ. રાજ્ય પોલિસે કહ્યુ છે કે રજનીને આતંકીઓએ નિશાન બનાવી છે.
કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું છે કે કુલગામની ગોપાલપોરા હાઈસ્કૂલમાં એક મહિલા શિક્ષક પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનુ મોત નીપજ્યુ હતુ. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. પોલીસે કહ્યુ છે કે આ ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ તેમને પકડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં કાશ્મીરમાં સામાન્ય લોકો પર હુમલા વધી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ દ્વારા સામાન્ય લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઘણા કાશ્મીરી પંડિતો પણ આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા છે. જેના કારણે કાશ્મીરી પંડિતો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.