નવી દિલ્લીઃ દિલ્લીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કૂતરાને વૉક કરાવનાર આઈએએસ અધિકારી સંજીવ ખિરવાર પર સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમની ટ્રાન્સફર લદ્દાખમાં કરી દેવામાં આવી છે. વળી, તેમના પત્ની રિંકુની ટ્રાન્સફર કરીને અરુણાચલ પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે. સંજીવ 1994 બેચના અધિકારી છે જે હાલમાં દિલ્લીમાં રેવન્યુ કમિશ્નરના પદ પર તૈનાત છે. દિલ્લીના બધા જિલ્લા અધિકારી તેમની અંડરમાં કામ કરે છે.
દિલ્લીના ત્યાગરાજ સ્ટેડિયમમાં તેમની પત્ની સાથે કૂતરાને વૉક કરાવતો ફોટો વાયરલ થયો હતો. જે બાદ તેમને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સ્ટેડિયમમાં સુવિધાઓના દુરુપયોગને લગતા સમાચારના કલાકો પછી ગૃહ મંત્રાલયે બંને વિરુદ્ધ કાર્યવાહી કરી. મંત્રાલયે AGMUT કેડરના બંને IAS અધિકારીઓ સંજીવ ખિરવાર અને રિંકુ દુગ્ગાની બદલી કરી છે. ખિરવારને દિલ્હીથી લદ્દાખ અને દુગ્ગાને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં એથ્લેટ્સ અને કોચ થોડા સમય માટે નારાજ થયા હતા કારણ કે તેમને સ્ટેડિયમ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી IAS ઓફિસરના કૂતરાને વૉક કરાવી શકે. આરોપ છે કે દરરોજ સાંજે 7 વાગે ખેલાડીઓ અને કોચને આ સ્ટેડિયમની બહાર કાઢી દેવામાં આવતા હતા કારણ કે 7 વાગે આઈએએસ સંજીવ સ્ટેડિયમમાં ડોગ વૉક પર પોતાની પત્નીને સાથે લઈને આવતા હતા. આ કેસની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોચે કહ્યું કે પહેલા અમે અહીં 8 થી 8:30 સુધી ટ્રેનિંગ કરતા હતા. પરંતુ હવે તેમને સાંજે 7 વાગ્યે સ્ટેડિયમ છોડી દેવાનું કહેવામાં આવ્યુ છે જેથી અધિકારીઓ કૂતરાને ત્યાં લઈ જઈ શકે. આ કારણે અમારી તાલીમ અને પ્રેક્ટિસ રૂટિન પર અસર પડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 7 દિવસમાં ત્રણ દિવસ સાંજે 6:30 વાગ્યે જોવા મળ્યું કે ગાર્ડ સીટી વગાડીને મેદાન ખાલી કરી રહ્યા છે.
આ સમાચાર સામે આવ્યા બાદ દિલ્હી સરકાર પણ કડક બની છે. દિલ્હી સરકારે આદેશ જાહેરી કરીને કહ્યુ કે હવે દિલ્હીનુ દરેક સ્ટેડિયમ રાત્રે 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ માટે ખુલ્લુ રહેશે. વળી, ગૃહ મંત્રાલયે આ મામલાની નોંધ લેતા દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી મામલાની રિપોર્ટ માંગી હતી. મુખ્ય સચિવે મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપ્યો જેના પછી સરકારે IAS દંપતી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ભારત સરકારે IAS દંપતીને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં તાત્કાલિક અસરથી જોડાવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ ચારેબાજુથી ટીકા થયા બાદ આઈએએસ ખિરવારે કહ્યુ હતુ કે હું ક્યારેય કોઈ એથ્લેટને સ્ટેડિયમ છોડવાનુ કહીશ નહિ. સ્ટેડિયમ બંધ થયા પછી હું જાઉ છુ. અમે તેને (કૂતરાને) ટ્રેક પર છોડતા નથી. જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે અમે તેને છોડીએ છીએ પરંતુ ક્યારેય એથ્લીટના ભોગે નહિ. જો તેમાં કંઈ વાંધાજનક હશે તો હું તેને રોકીશ.