પંજાબના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાની મુસીબત વધુ વધવા જઈ રહી છે. વિજય સિંગલા અને તેના OSD ભત્રીજા પ્રદીશ કુમારના રિમાન્ડનો ત્રીજો દિવસ શુક્રવારે પૂરો થાય છે. પરંતુ પંજાબ પોલીસ વિજય સિંગલાની પૂછપરછ માટે મોહાલી કોર્ટમાંથી વધુ રિમાન્ડ માંગશે. આ સાથે આરોગ્ય મંત્રી તરીકે વિજય સિંગલાએ મોહલ્લા ક્લિનિક માટે બહાર પાડેલા ટેન્ડરોની પણ તપાસ કરવામાં આવશે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, મોહલ્લા ક્લિનિકના ટેન્ડર મામલે પણ સિંગલાની પૂછપરછ કરવામાં આવશે. પોલીસ એ જાણવા માંગે છે કે શું આ ટેન્ડરો પણ લાંચ લઈને આપવામાં આવ્યા છે. આ સાથે પ્રદીપ કુમારના કોલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે વિજય સિંગલાને મંગળવારે ભ્રષ્ટાચારના આરોપમાં સ્વાસ્થ્ય મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માને દાવો કર્યો હતો કે વિજય સિંગલા ટેન્ડર આપતી વખતે એક ટકા કમિશનની માંગ કરી રહ્યા હતા. પંજાબ પોલીસે મંગળવારે જ વિજય સિંગલાને કસ્ટડીમાં લીધા હતા.
રિપોર્ટ્સ અનુસાર, મોહલ્લા ક્લિનિકના પ્રોજેક્ટના કારણે જ વિજય સિંગલાની પોલ ખુલી છે. આમ આદમી પાર્ટીની સરકાર 15 ઓગસ્ટે પંજાબમાં 75 મોહલ્લા ક્લિનિક્સ ખોલવા માંગે છે. હવે સરકારે આ માટે જે ટેન્ડર આપવામાં આવ્યા છે તેની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે.
હાલમાં પંજાબમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું નથી. પંજાબના સીએમ ભગવંત માને સ્વાસ્થ્ય મંત્રાલય પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે.