નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્દેશ આપ્યા છે કે દિલ્લી સરકારની બધી રમતગમત સુવિધાઓ ખેલાડીઓ માટે રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશ બાદ હવે ખેલાડીઓને અભ્યાસ માટે વધુ સમય મળશે અને હવે ખેલાડી રાતે 10 વાગ્યા સુધી અભ્યાસ કરી શકશે. તમને જણાવી દઈએ કે દિલ્લીના એક સ્ટેડિયમ વિશે સમાચાર આવ્યા હતા કે દિલ્લીના એક આઈએએસ અધિકારી કથિત રીતે પોતાના કૂતરાને ફેરવવા માટે ખેલાડીઓને જલ્દી સ્ટેડિયમમાંથી જવા માટે કહી રહ્યા હતા.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને લખ્યુ કે સ્ટેડિયમ વહેલુ બંધ થવાને કારણે ખેલાડીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ સ્ટેડિયમને 10 વાગ્યા સુધીમાં ખોલવાનો આદેશ આપ્યો છે. આ સમાચાર સામે આવતા ખેલાડીઓને ઘણો ફાયદો થશે કારણ કે હવે તેમને પ્રેક્ટિસ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહિ.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ખેલાડીઓને દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી ખેલાડીઓ અને તેમના કોચ દ્વારા સતત ફરિયાદો થઈ રહી હતી. તેઓએ કહ્યુ કે તેઓને સાંજે 7 વાગ્યા સુધીમાં તાલીમ પૂરી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેનુ કારણ એ છે કે દિલ્હી સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી (મહેસૂલ) સંજીવ ખિરવાર લગભગ અડધા કલાક પછી પોતાના કૂતરાને ત્યાં વૉક કરાવે છે. આ સમાચાર સામે આવતાં જ દિલ્હી સરકાર પર અનેક સવાલો ઉભા થયા છે કારણ કે એક તરફ સરકાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે અને બીજી તરફ તેમની પ્રેક્ટિસ માટે સ્ટેડિયમમાં સમય નથી.