શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ એક વાર ફરીથી સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે. પુરુષો બાદ આતંકવાદીઓએ હવે મહિલાઓ અને બાળકોને પણ નિશાન બનાવવાનુ શરુ કરી દીધુ છે. કાશ્મીર સંભાગના બડગામમાં બુધવારે આતંકવાદીઓએ ટીવી કલાકાર અમરીન ભટને ગોળી મારી દીધી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ઈલાજ પહેલા જ તેમણે દમ તોડી દીધો. ફાયરિંગમાં અમરીનનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘાયલ થયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યુ કે બુધવારે રાત્રે લગભગ 7.55 વાગે હુશરૂ ચદૂરાની રહેવાસી અમરીન ભટ નામની એક મહિલા તેના 10 વર્ષના ભત્રીજા સાથે તેના ઘરની બહાર ઊભી હતી. ત્યારબાદ અચાનક આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલા બાદ બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન અમરીનનુ મોત નીપજ્યુ. તેની બાજુમાં ઉભેલા તેના 10 વર્ષના ભત્રીજાને તેના હાથમાં ગોળી વાગી છે.
ભત્રીજાની હાલત ખતરાની બહાર હોવાનુ કહેવાય છે. પોલીસે જણાવ્યુ કે આ ઘટનામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓ શામેલ હતા. તેની શોધખોળ ચાલુ છે. પોલીસે કહ્યુ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓ આ જઘન્ય અપરાધમાં શામેલ છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેસ નોંધ્યા બાદ તપાસ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમરીનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક દિવસ પહેલા આતંકવાદીઓએ કોન્સ્ટેબલ સૈફુલ્લાહ કાદરી પર ગોળીબાર કર્યો હતો જ્યારે તે તેની પુત્રીને ટ્યુશનમાં મૂકવા જઈ રહ્યો હતો. કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ફરી વધારો થયો છે. 13 મેના રોજ આતંકવાદીઓએ પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદને પુલવામામાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી હતી. આના એક દિવસ પહેલા 12 મેના રોજ બડગામમાં સરકારી કર્મચારી રાહુલ ભટની ઓફિસમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી.