નવી દિલ્લીઃ આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ જે રીતે હાલમાં મદરસાને લઈને નિવેદન આપ્યુ છે તેના પર એઆઈએમઆઈએમના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જોરદાર પ્રહાર કર્યો છે. ઓવૈસીએ કહ્યુ કે આસામમાં પૂરથી 18 લોકોના મોત થઈ ગયા છે, 7 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને આ હેટ સ્પીચ આપવામાં વ્યસ્ત છે. ઓવૈસીએ સરમાના ભાષણનો વીડિયો શેર કરીને લખ્યુ, જ્યારે સંઘી બ્રિટિશ એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે મદરસા સ્વતંત્રતા આંદોલનમાં આગળ વધીને ભાગ લઈ રહ્યા હતા. ઘણા મદરસામાં ઈસ્લામ ઉપરાંત વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન ભણાવવામાં આવે છે.
રાજા રામમોહનરાય મદરસામાં ભણ્યા
ઓવૈસીએ કહ્યુ કે જેવી રીતે શાખામાં આત્મ સમ્માન અને સહાનુભૂતિ શીખવવામાં આવે છે, અશિક્ષિત સંઘી એ નહિ સમજે. આખરે કેમ હિંદુ સમાજ સુધારક રાજા રામમોહન રાયે મદરસામાં અભ્યાસ કર્યો હતો. મુસ્લિમ વંશ પર ધ્યાન આપવુ તમારી હીન ભાવનાને દર્શાવે છે. મુસ્લિમોએ ભારતને સમૃદ્ધ કર્યું છે અને આગળ પણ કરશે. નોંધનીય છે કે હિમંત બિશ્વ સરમાએ કહ્યુ હતુ કે મદરેસાનુ અસ્તિત્વ ખતમ કરવુ જોઈએ કારણ કે જ્યાં સુધી તે મનમાં રહેશે ત્યાં સુધી બાળકો ડૉક્ટર અને એન્જિનિયર નહીં બની શકે.
દેશની પહેલી મસ્જિદ કેરળમાં બની
ઓવૈસીએ કહ્યુ કે અશોકે હજારો લોકોની હત્યા કરી, આરએસએસના લોકોને કહો કે આ અંગે તમારો શું અભિપ્રાય છે. ભાજપ અને સંઘના લોકો પુષ્યમિત્રાએ બુદ્ધના મંદિરો તોડવાની વાત કેમ નથી કરતા, તેઓ તાજમહેલની નીચે જઈને જોશે. જો હું એમ પણ કહું કે દેશના વડાપ્રધાન જ્યાં રહે છે તે ઘરની નીચે મસ્જિદ છે તો તેને ખોદો. આજે દરેક વસ્તુને એ દોષ લગાવી દેવામાં આવે છે કે જે થયુ તે મુસલમાનોના કારણે થયુ. જો ખોટુ થયુ તે મુઘલોના કારણે થયુ છે. હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સંદેશ આપવા માંગુ છુ કે ભારતના મુસ્લિમોને મુઘલો સાથે કોઈ લેવાદેવા નથી. અમારા સંબંધ એવા લોકો સાથે છે જેઓ સૂફી હતા, જેઓ ભારતમાં ઈસ્લામ લાવ્યા હતા. ભારતની પ્રથમ મસ્જિદ મુઘલો દ્વારા નહિ પરંતુ બાદે શાહ દ્વારા બનાવવામાં આવી હતી અને તે કેરળમાં બનાવવામાં આવી હતી. પરંતુ ભાજપ મુઘલોને મુસ્લિમો સાથે જોડે છે અને કહે છે કે 600 વર્ષ પહેલા આવુ થયુ હતુ.
ભારતનો મુસલમાન ભાડુઆત નહિ ભાગીદાર છે
ઓવૈસીએ કહ્યુ કે એવુ કહેવામાં આવે છે કે તે 450 વર્ષ પહેલા તોડવામાં આવી, અમે તેમાં ખોદીને જોઈશુ. તમે કહો કે ભારતની તારીખ મુઘલોથી શરૂ થાય છે કે કેમ. જો કોઈ સંઘી કહે કે આજે મુઘલોના કારણે આવુ થઈ રહ્યુ છે તો તેમને પૂછો કે ભારત કેવી રીતે બન્યુ, 50 હજાર વર્ષ પહેલા આફ્રિકાથી લોકો ભારતમાં આવ્યા હતા. 40 હજાર વર્ષ પહેલા ઈરાનથી ખેડૂતો આવ્યા હતા, 30 હજાર વર્ષ પહેલા લોકો બોટ દ્વારા આવ્યા હતા. આ રીતે ભારતનુ નિર્માણ થયુ પરંતુ ભારતને માત્ર મુઘલો દેખાય છે.