ક્વાડની ટાઈમલાઈન
ક્વાડની સમયરેખા વિશે વાત કરીએ તો, તે સૌપ્રથમ 2004માં શરૂ થયું હતું જ્યારે યુએસ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોર ગ્રૂપની રચના કરી હતી. સુનામી બાદ આ કોર ગ્રુપની રચના કરવામાં આવી હતી. 2006માં ટોક્યોની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મનમોહન સિંહે જાહેરાત કરી હતી કે જાપાન અને ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સમાન વિચાર ધરાવતા લોકો સાથે સંવાદ શરૂ કરવા માંગે છે. જે બાદ ક્વાડ દેશોએ 2007માં મનીલામાં તેમની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારતના વડાપ્રધાન અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ હાજરી આપી હતી.
ભારત માટે ક્વાડનુ મહત્વ
2013થી તમામ ક્વાડ દેશોએ ચીનની વધતી ઉશ્કેરણી પર ચિંતા વ્યક્ત કરી છે. ત્યારથી ભારતે 2013, 2014, 2017 અને 2020માં સરહદ પર ચીન સાથે ચાર વખત તણાવ જોયો છે. આ પછી 2019માં ક્વાડ દેશો વચ્ચે પ્રથમ મંત્રી સ્તરની વાટાઘાટો થઈ હતી. નવેમ્બર 2020 માં બધા ક્વાડ દેશોએ પ્રથમ વખત સાથે મળીને સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. માર્ચ 2021માં યુએસ પ્રમુખ જો બિડેને વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો હતો. પીએમ મોદી ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આ નેતાઓએ કોવિડ રસી, પર્યાવરણ, ટેકનિકલ અનુસંધાન અને સપ્લાય ચેઇન પર કાર્યકારી જૂથની રચના કરી.
ક્વાડનો ધ્યેય
ક્વાડના ધ્યેય વિશે વાત કરીએ તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એકબીજાના હિતોનું રક્ષણ કરવાનો છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન જે રીતે સતત પોતાની શક્તિ વધારી રહ્યું છે તેને જોતા આ ફોરમની રચના કરવામાં આવી છે. ચીન જે રીતે દક્ષિણ ચીન સાગર પર દાવો કરે છે અને તેને પોતાનો વિસ્તાર ગણાવે છે તે અંગેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. પરંતુ આ ક્ષેત્રના અન્ય દેશો જેમ કે ફિલિપાઈન્સ, મલેશિયા કહે છે કે અમારી સરહદ પણ દક્ષિણ ચીન સમુદ્રને મળે છે, તેથી તેના પર અમારો પણ અધિકાર છે. આ અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીનની વધતી જતી સૈન્ય અને આર્થિક શક્તિનો સામનો કરવો એ પણ આ ફોરમના મુખ્ય ધ્યેયોમાંથી એક છે. ચીનને એ વાતની પણ ચિંતા છે કે ભારત આ ફોરમમાં અન્ય દેશોને શામેલ કરીને પોતાની શક્તિ વધારી શકે છે અને તે ચીન માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.
ચીન સામે ભારત માટે મહત્વનુ ફોરમ
જો કે આ મંચનો મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ સભ્ય દેશોના હિતોનું રક્ષણ કરવાનો છે પરંતુ આ મંચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મંચ મુખ્યત્વે ચીનની વધતી આર્થિક અને સૈન્ય શક્તિનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો છે. ભારત ક્વાડ દેશોની મદદથી ચીનના વધતા પડકારનો જવાબ આપી શકે છે. આ સાથે ભારત આ દેશોની નૌકાદળની મદદથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે આગળ વધી શકે છે.
24મેએ યોજાનારી બેઠક મહત્વની
24મી મેના રોજ યોજાનારી બેઠકની વાત કરીએ તો તેમાં તમામ સભ્ય દેશો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા ભાગ લેશે. પીએમ મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બર 2021માં ક્વાડની વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. બેઠકમાં ભારતે અમેરિકા અને અન્ય દેશોની જેમ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ટીકા કરી ન હતી અને ન તો રશિયા વિશે કોઈ ખુલ્લેઆમ નિવેદન આપ્યું હતું.
ચીનનો વિરોધ
ચીન હંમેશા ક્વાડનો વિરોધ કરતુ આવ્યુ છે અને તેને અમેરિકાનુ પોતાની વિરુદ્ધનુ પગલુ ગણાવે છે. ચીનનુ કહેવુ છે કે યુરોપમાં જે રીતે નાટો છે તે રીતે અહિ ક્વાડની રચના કરવામાં આવી છે. ઘણી વખત ચીને ક્વાડની તુલના નાટો સાથે કરી છે. હાલમાં જ ચીનના વિદેશ મંત્રીએ ક્વાડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે તે શીત યુદ્ધ અને લશ્કરી મુકાબલાના ભયમાં ડૂબી ગયુ છે પરંતુ તે હવે ભૂતકાળની વાત છે. ચીનને આશંકા છે કે દક્ષિણ કોરિયા પણ આ ફોરમમાં શામેલ થઈ શકે છે. ચીન એવુ બિલકુલ ઈચ્છતું નથી કે ભારત સહિત તેના પાડોશી દેશો તેની વિરુદ્ધ કોઈપણ પ્રકારનુ જૂથ બનાવે.