હીટવેવથી આજે મળશે રાહત
IMD બુલેટિનમાં જણાવાયુ છે કે, 'શનિવાર (21 મે) સુધીમાં સમગ્ર ભારતીય પ્રદેશમાં હીટવેવની સ્થિતિ ઘટશે. માત્ર મધ્ય પ્રદેશમાં જ અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ સિવાય આજે સમગ્ર દેશમાં લોકો ગરમીમાંથી થોડી રાહત મેળવશે.' અગાઉ શુક્રવારે, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને પંજાબના અલગ-અલગ ભાગોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ પ્રવર્તી હતી. જો કે આ વિસ્તારોમાં સાંજના સમયે હળવા વરસાદની સ્થિતિ રહી હતી. પશ્ચિમ રાજસ્થાનમાં પણ ઘણી જગ્યાએ હીટ વેવની સ્થિતિ યથાવત છે. રાજસ્થાનના ધોલપુર (AWS) માં 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર ભારતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દિલ્લીમાં કેવુ રહેશે તાપમાન
શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જશે. આ સાથે જ દિલ્હીમાં આજે થોડુ વાદળછાયુ આકાશ રહેશે અને ઝરમર વરસાદ પડી શકે છે. બીજી તરફ, રવિવારે (22 મે) દિલ્હીમાં ધૂળની આંધી સાથે વરસાદ પડી શકે છે. 22મી મેના રોજ લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
આગામી 24 કલાક આ રાજ્યોમાં વરસાદની સંભાવના
આગામી 24 કલાક દરમિયાન હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન અને દિલ્હીના ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ભાગો, તમિલનાડુના કેરળના ભાગો, બિહાર પૂર્વ ઝારખંડ અને રાયલસીમામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.આ સાથે અંદમાન અને નિકોબાર ટાપુઓ, આસામના ભાગો, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર છત્તીસગઢના ભાગો, આંતરિક ઓડિશા, કોંકણ અને ગોવા અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં પણ હળવો વરસાદ શક્ય છે.
આગામી 24 કલાક આ રાજ્યોમાં દેખાશે ગરમીની અસર
આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ સાથે ઘણી જગ્યાએ ભીષણ લૂની સ્થિતિ શક્ય છે. બીજી તરફ પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા અને દિલ્હી એનસીઆરના અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ ખૂબ જ સંભવ છે. જો કે દિલ્હીમાં સાંજે વરસાદની સંભાવના છે.