નવી દિલ્લીઃ કોંગ્રેસે ઉદયપુરમાં હાલમાં જ પૂરા થયેલા પોતાના નવસંકલ્પ શિબિરમાં એ ઘોષણા કરી હતી કે રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતા આગામી 2 ઓક્ટોબરથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા શરુ કરશે. આઝાદી બાદથી કોંગ્રેસની આ પહેલી અખિલ ભારતીય માર્ચ હશે. આ અખિલ ભારતીય યાત્રાની યોજના બનવાની શરુ થઈ ગઈ છે અને એક દિવસમાં કેટલુ અંતર કવર થશે, એમાં પદયાત્રા કેટલી દૂર હશે, ગાડીથી કેટલુ દૂર ચાલવાનુ હશે, જેવા ઘણા મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ કોંગ્રેસ પાર્ટી 5 થી 6 મહિનામાં 3,500 કિલોમીટર લાંબી યાત્રા પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. 'ભારત જોડો યાત્રા'ના આયોજનમાં સામેલ બે વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરીનો પ્રારંભિક પ્રસ્તાવ દરરોજ 10 કિલોમીટરની પદયાત્રાનો હતો. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દરરોજ 10 કિમીની પદયાત્રાને બહુ ઓછી ગણી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે દરરોજ 35 કિલોમીટરનું અંતર કાપવું જોઈએ. આ માટે પાર્ટીના એક વરિષ્ઠ વ્યૂહરચનાકારે રાહુલને યાદ અપાવ્યું કે આપણામાંથી મોટાભાગના લોકો તેમના જેટલા ફિટ નથી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે વર્તમાન યોજના મુજબ 'ભારત જોડો યાત્રા' દરમિયાન દરરોજ ઓછામાં ઓછું 10-20 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. સૂચિત યાત્રા માટેના રૂટ પર હજુ કામ ચાલી રહ્યું છે પરંતુ કોંગ્રેસ શક્ય તેટલા રાજ્યોને સ્પર્શ કરવાની યોજના ધરાવે છે. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થવાની સંભાવના છે. આ દરમિયાન ટ્રેનો સિવાય પગપાળા યાત્રા પણ થશે. પાર્ટીનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે યાત્રાના માર્ગમાં ઘણા નાના-નાના સ્ટોપ હશે. રોડસાઇડ રેલીઓ અને અન્ય ઘણા કાર્યક્રમો પણ પ્રસ્તાવિત છે. કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે યાત્રા કાશ્મીર ઘાટીમાં પહોંચશે પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે તે શ્રીનગર જશે નહિ.
તેમણે કહ્યું કે અમારી કૂચમાં ઘણી બધી જાહેર વાતચીત અને પદયાત્રાનો સમાવેશ થાય છે. પરંતુ વર્તમાન સુરક્ષા પરિદ્રશ્યમાં તે મુશ્કેલ હશે. આ મહિનાની શરૂઆતમાં ઉદયપુર ચિંતન શિવિર ખાતે તેમની સમાપન ટિપ્પણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, 'આપણે બધા તેમાં ભાગ લઈશુ. આ પ્રવાસ સામાજિક સમરસતાના બંધનોને મજબૂત કરવા માટે છે, જે તણાવ હેઠળ છે. આપણા બંધારણના મૂળ મૂલ્યોનું રક્ષણ કરવા માટે છે જેના પર હુમલા થઈ રહ્યા છે અને આપણા કરોડો લોકોની રોજિંદી ચિંતાઓને સમજવા, તેમના મુદ્દા ઉઠાવવા માટે છે.