નવી દિલ્હી, 19 મે : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ પાર્ટીમાં તેમના પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે, તો બીજી તરફ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાંથી તેમને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં તેમને 33 વર્ષ જૂના કેસમાં એક વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશની નકલ મળતાં જ પંજાબ પોલીસ સિદ્ધુને પોતાની કસ્ટડીમાં લેશે.
મળતી માહિતી મુજબ, આ ઘટના 27 ડિસેમ્બર 1988ની છે. આ સમયે સિદ્ધુ ક્રિકેટર હતા અને તે તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ માર્કેટમાં ગયા હતા. ત્યાં પાર્કિંગમાં 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેની દલીલ થઈ. આ દરમિયાન સિદ્ધુએ તેને ઘૂંટણિયે પછાડી દીધા હતા. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ પંજાબ પોલીસે સિદ્ધુ અને તેના મિત્ર વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે સિદ્ધુને રાહત આપતા કેસને ફગાવી દીધો હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, જ્યાં 2006માં નિર્ણય આવ્યો. જેમાં સિદ્ધુ અને તેના મિત્રને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે સજા પર રોક લગાવી દીધી. 2018 માં પણ તેને કલમ 323 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ સદોષ માનવહત્યાનો આરોપ પડતો મુકી દેવામાં આવ્યો હતો. જેના કારણે સિદ્ધુને દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યા હતા.
આ નિર્ણય બાદ મૃતકના પરિજનોએ ફરીથી રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેના પર કોર્ટે સપ્ટેમ્બર 2018માં સુનાવણી કરવા સંમતિ આપી હતી. આ પછી આ કેસમાં ચુકાદો માર્ચ 2022 માં અનામત રાખવામાં આવ્યો હતો, જે ગુરુવારે સંભળાવવામાં આવ્યો હતો.