નવી દિલ્લીઃ ભારતે જમ્મુ કાશ્મીરના પરિસીમન પર કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને ઈસ્લામિક સહયોગ સંગઠન(OIC) પર જોરદાર નિશાન સાધ્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ઓઆઈસીના નિવેદનને લઈને કહ્યુ કે ભારતના આંતરિક મામલાને લઈને ઈસ્લામિક સહયોગ સંગઠનની આ ટિપ્પણી અયોગ્ય છે. આ નિરાશાજનક છે કે ઓઆઈસી સચિવાલયે ફરીથી આ પ્રકારની વાત કહી છે જે ભારતનો આંતરિક મામલો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, 'અમે નિરાશ છીએ કે OIC સચિવાલયે ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર અયોગ્ય ટિપ્પણી કરી છે.' બાગચીએ કહ્યું કે ભારત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર OIC સચિવાલય દ્વારા કરવામાં આવેલા દાવાને નકારી કાઢે છે. બાગચીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ રહ્યું છે. આ સાથે વિદેશ મંત્રાલયે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનને આવા નિવેદનોથી બચવા ચેતવણી આપી છે.