G-7 નિકાસ અટકાવવાની કરી ટીકા
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે વૈશ્વિક કૃષિ બજાર ગંભીર મુશ્કેલીમાં છે. આ નિર્ણાયક તબક્કે, G7 ઔદ્યોગિક દેશોના પ્રધાનોએ વિશ્વભરના દેશોને પ્રતિબંધિત પગલાં ન લેવા વિનંતી કરી. જર્મનીના કૃષિ પ્રધાન કેમ ઓઝડેમિરે જણાવ્યું હતું કે આવા પ્રતિબંધિત પગલાં ઉત્પાદન બજારો પર વધુ દબાણ લાવી શકે છે. તેમણે નિકાસ અટકાવવાની ટીકા કરી અને બજારો ખુલ્લા રાખવા હાકલ કરી. કેમ ઓઝડેમિરે કહ્યું, "અમે ભારતને G20 સભ્ય તરીકે તેની જવાબદારી સ્વીકારવાનું આહ્વાન કરીએ છીએ."
ભારત બીજા નંબરનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ
યુક્રેન પછી ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઘઉંના આંતરરાષ્ટ્રીય ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. આ ઝડપી કારણે ભારતમાંથી ઘઉંની નિકાસ થઈ રહી હતી. જેના કારણે સ્થાનિક સ્તરે લોટ અને ઘઉંના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પહેલાથી જ મોંઘવારીથી ત્રસ્ત છે, હવે લોટના ભાવમાં વધારો થતા લોકો પર આર્થિક બોજ વધ્યો છે.
ફુગાવો 8 વર્ષની ટોચે
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડના અંદાજ મુજબ, ભારતે વર્ષ 2021-22માં 7 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય USD 2.05 બિલિયન હતું. ગયા નાણાકીય વર્ષમાં કુલ શિપમેન્ટમાંથી લગભગ 50 ટકા ઘઉં બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવ્યા હતા. યુક્રેન પર રશિયાના આક્રમણથી સર્જાયેલી જગ્યાને ભરવા માટે ઘણા લોકો ભારત તરફ જોઈ રહ્યા હતા. પરંતુ એપ્રિલ મહિનામાં જાહેર કરાયેલ વાર્ષિક ફુગાવાના આંકડા છેલ્લા 8 વર્ષના સર્વોચ્ચ સ્તરે છે અને ભારતમાં છૂટક ફુગાવાનો દર વધીને 8.38 ટકા થયો છે, તેથી નરેન્દ્ર મોદી સરકારે દેશમાંથી તમામ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
શુક્રવારે મોડી રાત્રે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ભારતીય વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને પડોશી અને સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને સમર્થન આપવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની સાથે જ, સરકારે કહ્યું કે પહેલાથી જારી કરાયેલી ક્રેડિટ સામે માત્ર ઘઉંના શિપમેન્ટને જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.