ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુક્રેન સંકટમાં યુએસ-યુકે, યુરોપિયન યુનિયન અને રશિયાની ભૂમિકા શું હશે તેનો જવાબ દરેકની પાસે હતો.
પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા અને સૌથી લાંબા ગણાતા યુક્રેન-રશિયા યુદ્ધમાં 'ચાઈનીઝ ડ્રેગન' કઈ બાજુ પડખું ફરશે તેની માત્ર અટકળો જ હતી.
યુદ્ધ શરૂ થતાંની સાથે જ ચીને કોઈને સમર્થન નહીં આપવાનું પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.
દેખીતી રીતે, નિર્ણય મુશ્કેલ હતો કારણ કે ચીનની વિદેશ નીતિમાં રશિયા અને યુક્રેન બંનેનું આગવું સ્થાન છે.
પહેલા વાત, ચીન અને યુક્રેનની.
યુક્રેનમાં ચીનના વ્યૂહાત્મક હિતોનું મુખ્ય કારણ તેનું ઉમદા લોકેશન અને યુરોપિયન યુનિયન સાથે યુક્રેનનો મુક્ત-વ્યાપાર કરાર છે. આ બંને મુદ્દાઓને આધારે ચીનને યુક્રેનમાંથી ખનીજ અને કૃષિ પેદાશો મળી રહી છે.
છેલ્લા એક દાયકા દરમિયાન યુક્રેનમાં ચીનનું રોકાણ વધ્યું છે.
2013માં યુક્રેનના તત્કાલીન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ ચીનના લાંબા પ્રવાસ પર ગયા હતા અને ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારથી બંને દેશો વચ્ચે ક્રમવાર રોકાણ શરૂ થયું હતું. પરિણામ સ્પષ્ટ દેખાયું.
2019માં રશિયાને પછાડીને ચીન યુક્રેનનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર બની ગયું અને 2021 સુધીમાં, બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર 19 અબજ ડૉલર પર પહોંચી ગયો હતો. 2013ની સરખામણીમાં વેપારમાં 80 ટકા વધારો થયો હતો.
જેમણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર વ્યાપક સંશોધન કર્યું છે એવી યુએસ સ્થિત બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટના ડેરિક પાલ્મરનું અવલોકન કહે છે, "ચીનમાંથી વાર્ષિક 10 અબજ ડૉલરની ભારે મશીનરી અને ઉપભોજ્ય વસ્તુઓ યુક્રેનમાં જતી હોવાથી ચીનને ચોક્કસપણે યુક્રેનમાં વિશાળ બજાર મળ્યું છે. ચીનની નજર યુક્રેનના ટેકનૉલૉજી માર્કેટ પર પણ હતી, જે હવે એકાએક ઠપ્પ થઈ ગયું છે."
ડેરિક પાલ્મરને લાગે છે કે, "ઘણા લોકો નથી જાણતા કે ચીનમાં આયર્ન ઓરની માગ વધી રહી છે કારણ કે શહેરો અને ઉદ્યોગોના વિકાસ માટે સ્ટીલની જરૂર પડે છે."
"હવે ચીનનું આયર્ન ઓર ન તો સારી ગુણવત્તાનું છે અને ન તો તેની ખાણોમાં વધુ પોલાદ છે. તેથી ચીન તેને ઑસ્ટ્રેલિયા અને બ્રાઝિલ ઉપરાંત યુક્રેન પાસેથી ખરીદતું હતું."
"હવે આ ઝટકામાંથી બહાર આવવા માટે તેને નવા બજારો શોધવા પડશે."
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચીને બંને દેશોને સંયમ રાખવાની અને વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની સતત અપીલ કરી છે.
ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના પ્રોફેસર ઍલેક્ઝાન્ડર કુરલેવે તાજેતરમાં "યુક્રેનમાં યુદ્ધ માટે ચીન પુતિનની નિંદા શા માટે નથી કરી રહ્યું" નામનું એક સંશોધન પેપર લખ્યું હતું, જેમાં તેમણે, "ચીનને મૉસ્કોથી અંતર નહીં જાળવવાને ભૂલભરેલી રણનીતિ ગણાવી છે."
તેમના મત અનુસાર, "રશિયાએ યુદ્ધ શરૂ કરતા પહેલાં ચીનને જાણ કરી હતી કે નહીં, એ તો નક્કી જ છે કે ચીનને ખ્યાલ ન હતો કે યુક્રેન પરનો હુમલો આટલો લાંબો અને ભયાનક હશે."
"તેમ છતાં, રશિયાની કાર્યવાહીને ચીન ખોટી નહીં ઠરાવે. કારણ કે તે જાણે છે કે અમેરિકા છેલ્લા એક દાયકાથી ચીનની વધતી તાકાતને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે."
"બીજું, ચીન રશિયા પ્રત્યેના ભારતના નરમ વલણ પર પણ નજર રાખી રહ્યું છે."
વાસ્તવિકતા એ છે કે યુક્રેન સંકટના કારણે ચીન પણ યુરોપિયન યુનિયનમાં રોકાણ અને કનેક્ટિવિટી સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) હેઠળ, ચીન અને યુક્રેન એકબીજાની નજીક આવ્યા હતા, જેનાથી વેપારનું મૂલ્ય ઘટ્યું હતું અને વૉલ્યુમમાં વધારો થયો હતો.
યુક્રેન આમ પણ ચીન-યુરોપ રેલવે ઍક્સપ્રેસ સર્વિસ પરનું એક સ્ટૉપ છે અને યુરોપિયન યુનિયનનાં બજારોમાં 'મેડ ઇન ચાઇના'ના વધતા સામ્રાજ્યમાં તેમની પણ એક ભૂમિકા રહી છે, જે યુદ્ધને કારણે વિક્ષેપિત થઈ રહી છે.
ચીન છેલ્લાં કેટલાંક વર્ષોથી યુક્રેન સાથે શસ્ત્રો અને સૈન્ય ટેકનૉલૉજીના ક્ષેત્રમાં ભાગીદારી વધારી રહ્યું છે, જે હવે ચોક્કસપણે અટકી જશે.
નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરમાં એશિયન સ્ટડીઝના પ્રોફેસર કાંતિ બાજપાઈનું માનવું છે કે, "ચીન તેની વિદેશ નીતિ અને દેશની અંદરના આર્થિક વિકાસને સાથે લઈને ચાલે છે."
"આમાં સૌથી જરૂરી છે કે ઉત્પાદન પુરવઠાની શૃંખલામાં વિક્ષેપ ન આવે અને તેના આધારે જ નક્કી થાય છે કે કયા ક્ષેત્રમાં તેની નિકાસ કેટલી માત્રામાં વધશે."
"અગાઉ યુક્રેનમાંથી આયાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. હવે વિકલ્પોની ઝડપી શોધ કરવી પડશે."
જો થોડા સમય માટે આર્થિક મુદ્દાઓને ચીનની ભૌગોલિક રાજકીય વ્યૂહરચનાથી અલગ કરીને જોઈએ તો ચીનને ફાયદો થવાની આશા રાખી શકાય.
રશિયાના યુક્રેન સાથેના ઘર્ષણ વચ્ચે અમેરિકા સાથે ચીનની સ્પર્ધા હવે વધુ મોટી અને વ્યાપક દેખાઈ રહી છે, જેમાં એ જ બે મોટાં પ્લેયર્સ છે.
આ બાજુને જોતા ચીનની શાખમાં વધારો જ થયો છે કારણ કે નિષ્ણાતો માને છે કે યુક્રેને અમેરિકા અને નાટો સાથે સલાહ-મસલત પછી રશિયા સામે બાથ ભીડવાનો નિર્ણય લીધો હતો.
બીજી તરફ, યુદ્ધના કારણે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા વ્યાપક આર્થિક પ્રતિબંધો વધુ ઘેરા બનશે અને રશિયા આર્થિક રીતે પહેલા કરતા વધુ નબળું પડશે.
દિલ્હીની ફોર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીન બાબતોના નિષ્ણાત ડૉક્ટર ફૈઝલ અહેમદ કહે છે કે, "યુક્રેન યુદ્ધને કારણે ચીનનો પ્રકોપ ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાંથી વધુ આગળ વિસ્તરશે અને તે વધુ મજબૂત બનશે. અફઘાનિસ્તાન અને ઇરાકમાં અમેરિકન દળોએ લડાઈ પડતી મૂકવાના નિર્ણય બાદ એવા ઘણા દેશો છે જે સુરક્ષાની આશા સાથે ચીન તરફ મીટ માંડશે."
એ પણ રસપ્રદ છે કે કોવિડ મહામારી દરમિયાન ચીનને "વૈશ્વિક ગુસ્સા"નો સામનો કરવો પડ્યો હતો તે હવે વિશ્વભરમાં ચીનની વધતી પ્રતિષ્ઠામાં ફેરવાઈ શકે છે.
વેપાર, વૈશ્વિક ગવર્નન્સ, કનેક્ટિવિટી તેનો આધાર છે અને વૈશ્વિક સુરક્ષાનો તેમાં મુખ્ય ફાળો રહેશે તેવી અપેક્ષા છે.
ફૈઝલ અહેમદના જણાવ્યા અનુસાર, "તાજેતરમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક 'ગ્લોબલ સિક્યૉરિટી ઇનિશિયેટિવ'નો મુસદ્દો તૈયાર કરવાની વાત કરી છે જે શીત યુદ્ધની માનસિકતાનો અંત લાવવા પર આધારિત છે. દેખીતી રીતે, આવી ભાગીદારીમાં ઘણા નવા દેશો પણ જોડાવા ઇચ્છુક હશે".
https://www.youtube.com/watch?v=xKmEgThSgQ8
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો