જનરલ મનોજ પાંડેએ શનિવારે જનરલ એમ.એમ. નરવણેની નિવૃત્તિ પછી સેનાના 29માં વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે ફરજ બજાવતા જનરલ પાંડે ફોર્સના એન્જિનિયર કોર્પ્સમાંથી આર્મી ચીફ બનનાર પ્રથમ અધિકારી બન્યા છે. 1 ફેબ્રુઆરીએ આર્મી સ્ટાફના વાઇસ ચીફ બનતા પહેલા તેઓ સેનાના પૂર્વી કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ કમાન્ડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા માટે જવાબદાર છે.
જનરલ પાંડેએ એવા સમયે સેનાની કમાન સંભાળી છે જ્યારે ભારત ચીન અને પાકિસ્તાનની સરહદો પરના પડકારો સહિત અસંખ્ય સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. આર્મી ચીફ તરીકે તેમણે થિયેટર કમાન્ડ બનાવવાની સરકારની યોજના પર નેવી અને એરફોર્સ સાથે સંકલન કરવું પડશે.
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત થિયેટર કમાન્ડની તૈયારી પર કામ કરી રહ્યા હતા, જેનું ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. સરકારે દ્વારા હજુ સુધી નવા ચીફ ડિફેન્સ ચીફની નિમણૂક કરવાની બાકી છે.
લેફ્ટનન્ટ જનરલ પાંડેએ તેમની કારકિર્દી દરમિયાન આંદામાન અને નિકોબાર કમાન્ડના વડા તરીકે પણ સેવા આપી છે. આંદામાન અને નિકોબાર કમાન્ડ એ ભારતની ત્રણેય સેનાઓની એકમાત્ર કમાન્ડ છે.
પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઑફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની શાનદાર કારકિર્દીમાં તેમણે ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો.
તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન નિયંત્રણ રેખા પર એક એન્જિનિયર રેજિમેન્ટની કમાન સંભાળી હતી. આ ઉપરાંત તેમણે પશ્ચિમ લદ્દાખના ઉચ્ચ પ્રદેશોમાં પર્વતીય વિભાગ અને ઉત્તરપૂર્વમાં એક કોર્પ્સની કમાન સંભાળી હતી.